Site icon Revoi.in

અમદાવાદમાં મહિનામાં જ મેટ્રો ટ્રેન દેડતી થશે, પણ પબ્લીક પાર્કિંગના હજુ કોઈ ઠેકાણા નથી

Social Share

અમદાવાદઃ શહેરમાં આવતા મહિનામાં યાને ઓગસ્ટના અંત સુધીમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે.મેટ્રો રેલના પહેલા તબક્કાનું કામ લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. પરંતુ હજુ પબ્લીક પાર્કિંગ માટેના કોઈ ઠેકાણા નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટની સિસ્ટમ છેવાડાના સ્ટેશન સુધી કનેક્ટીવિટી મળી રહે તે જરૂરી છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)એ મેટ્રો રેલ અને BRTS રૂટ પર 58 મોટા પ્લોટ ઓળખી કાઢ્યા છે જ્યાં જનરલ પાર્કિંગ થઈ શકે તેમ છે. જોકે, આ પ્લાનને હજી સુધી મંજૂરી મળી નથી. છેલ્લા ચાર વર્ષથી રાજ્યના અર્બન ડેવલપમેન્ટ વિભાગમાં પ્લાનની ફાઈલ ધૂળ ખાઈ રહી છે. મેટ્રો ટ્રેનના સ્ટેશન સુધી લોકો પોતાના વાહનો લઈને જ આવવાના છે, તેના માટે પાર્કિંગની વ્યવસ્થા કરવી જરૂરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઔડાએ 40 કિલોમીટરના મેટ્રો રેલ અને BRTSના રૂટ પર 28 લોકલ એરિયા પ્લાન તૈયાર કર્યા છે. જેને ઔડા ટ્રાન્સિટ-ઓરિએન્ટેડ ઝોન (TOZs) તરીકે ઓળખે છે. આ ટ્રાન્સિટ રૂટની સાથે ઔડાએ કુલ 20.44 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં 58 પાર્કિંગ પ્લોટ ઓળખી કાઢ્યા છે. ઔડાના સૂત્રોના કહેવા મુજબ રાજ્ય સરકાર LPA અને પાર્કિંગ પ્લોટ્સને મંજૂરી આપવામાં હવે વધારે મોડું કરાશે તો આ જગ્યાએ ખાનગી કંસ્ટ્રક્શન સ્કીમો ઊભી થઈ જશે. તાજેતરમાં જ આ લોકલ પ્લાન એરિયાની અંદર જ દર વર્ષે 250 જેટલા નવા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. બિલ્ડરો સ્કીમ લઈને આવે છે. ત્યારે રોડ જેવા સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પેન્ડિંગ ફાઈલ્સ ઠેરની ઠેર રહે છે અને પ્રાઈવેટ સ્કીમને રાજ્યના વહીવટી વિભાગ દ્વારા મંજૂરી મળી જતી હોય છે. મોટાભાગના પાર્કિંગ પ્લોટ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા છે અને રાજ્ય સરકારે તેને હસ્તગત કરવાની જરૂર છે,

ઔડાના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. કે,  ટ્રાન્સિટ-ઓરિએન્ટેડ ઝોન બીઆરટીએસ અને મેટ્રો રેલ કોરિડોરના બંને બાજુના 200 મીટરને આવરી લેતી બફર સ્પેસ છે. અહીં ઊંચા મકાનો અને ઓફિસ બિલ્ડિંગો માટેની FSI 4 જેવી સ્પેશિયલ ડેવલપમેન્ટ પરમિશન આપવામાં આવી છે. ઉપરાંત ટ્રાન્સિટ-ઓરિએન્ટેડ ઝોનની પાર્કિંગ જરૂરિયાત બિલ્ડ-અપ એરિયાના 50 ટકાથી ઘટાડીને 35 ટકા કરી દેવાઈ છે.