Site icon Revoi.in

અમદાવાદમાં ધારાસભ્યો, કોર્પોરેટરો હવે પોતાની ગ્રાન્ટમાંથી RCCના બાંકડાઓ જ મૂકાવી શકાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં સોસાયટીઓ, ફ્લેટ્સ, મંદિરો કે જાહેર સ્થળોએ લોકો આરામથી બેસી શકે તે માટે બાકડાં મુકવામાં આવતા હોય છે. દરેક કોર્પોરેટરો પોતાના બજેટની 10 ટકા રકમ એટલે કે રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં પોતાના વિસ્તારમાં બાંકડાઓ મૂકાવી શકે છે. અત્યાર સુધી ચાઇના મેઈક અથવા તો સ્ટીલના બાંકડા મૂકવામાં આવતા હતા. પરંતુ હવેથી માત્ર RCCના બાંકડાઓ જ મૂકવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સત્તાધિશો  દ્વારા કરવામાં આવ્યો છે. જે અંગેની નીતિ ઘડવા માટે દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી હતી અને તેને સ્ટેન્ડિંગ કમિટીએ પણ મંજૂરી આપી દીધી છે. જેથી હવે અમદાવાદ શહેરમાં ધારાસભ્યો, સંસદસભ્યો અથવા તો મ્યુનિ.કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી જે બાંકડાઓ મુકવામાં આવશે તે માત્ર RCCના જ આંકડાઓ મૂકવા માટેની મંજૂરી આપવાની રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ફ્લેટ્સ કે સોસાયટીઓથી લઈને સ્મશાનગૃહમાં ધારાસભ્યો, સાંસદો કે મ્યુનિ.કોર્પોરેટરો દ્વારા બાકડાં મુકવામાં આવતા હોય છે. હાલ ચાઈના મેઈડ અથવા સ્ટીલના બાકડાં મુકવામાં આવતા હતા. હવે આરસીસીના બાંકડાને મંજુરી આપવામાં આવશે. RCCના એક બાંકડાની કિંમત 3000 રૂપિયા થાય છે. જેથી રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં કોર્પોરેટર પોતાના વિસ્તારમાં હવે માત્ર 100 જેટલા બાંકડાઓ જ મૂકાવી શકશે. હાલમાં ધારાસભ્ય, સંસદસભ્ય અને કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી તેઓના સૂચન મુજબ જુદા જુદા પ્રકારના બાંકડાઓ મુકવામાં આવે છે. બાંકડાઓ કઇ જગ્યાએ, કેટલી સંખ્યામાં કયા પ્રકારના મૂકવા વિગેરે બાબત અંગે વર્ષ 2018થી નીતિ અમલમાં છે.

શહેરના મ્યુનિ. કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા દરખાસ્ત મુકવામા આવી હતી કે, શહેરમાં જુદી જુદી જગ્યાએ અને જુદા જુદા ઝોન તેમજ વોર્ડમાં જુદા જુદા મટિરિયલમાંથી બનાવેલા બાંકડા મૂકવામાં આવે છે. તેમજ ઘણી જગ્યાઓ ઉપર બાંકડાઓ જુદા જુદા મટિરિયલના બનેલાં હોવાથી શહેરમાં એકરૂપતા જળવાતી નથી. તેમજ જુદા જુદા મટિરિયલના બાંકડા હોવાથી અલગ અલગ પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હોય છે. શહેરની સુંદરતામાં વધારો થાય, બાંકડાઓની ડિઝાઇનમાં એકરૂપતા જળવાઇ રહે તે હેતુથી હાલમાં જુદા જુદા મટિરિયલમાંથી બનાવી મૂકવામાં આવતા બાંકડાની જગ્યાએ ફક્ત RCCના બાંકડા મુકવામાં આવે તો બાંકડા ઘણા ટકાઉ, સુંદર તેમજ લાંબા સમય ટકી શકે છે. જાહેર જનતાની સુખાકારી અને ટકાઉપણાને ધ્યાને રાખી શહેરમાં ફક્ત RCCના બાંકડા મુકવા માટેની એકસમાન નિતી બનાવવાની મંજુરી આપવામાં આવી છે.