અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં અમદાવાદ મોખરે છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાતા હોવા છતાં શહેરીજનો કોરોનાને લઈને હજુપણ સતર્ક બન્યા નથી. ઘણાબધા લાકો માસ્ક વિના બિન્દાસ્તથી ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરમાં પોલીસ પણ હવે લોકોને ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કડક અમલવારી કરી રહી છે. રાત્રિ કર્ફ્યૂથી લઈને માસ્કના દંડ સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં લાપરવાહ બનીને માસ્ક વિના ફરતા 1850 લોકોને દંડવામાં આવ્યાં હતા. માસ્ક વિનાના લોકો પાસેથી માત્ર બે જ દિવસમાં 18 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. શહેરમાં કેસો વધવાથી જાહેર સ્થળો પર માસ્ક નહીં પહેરનારા પાસેથી દંડની રકમ વસૂલવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે.ગઈકાલે પણ રાજ્યના સૌથી વધુ નવા કેસ અમદાવાદમાં નોંધાયા હતા. જેમાં શહેર અને જિલ્લામાં 1314 નવા કેસ નોંધાયા હતા. જ્યારે શહેરમાં 61 અને જિલ્લામાં 11 દર્દી એમ કુલ 72 દર્દી સાજા થયા છે. શહેર કે જિલ્લામાં શૂન્ય મોત રહ્યું છે. શહેરમાં ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલે ઓમિક્રોનના 2 કેસ નોંધાયો હતા, જેમાં 1 પુરુષો અને 1 મહિલા ઓમિક્રોન સંક્રમિત થયા હતા. અત્યાર સુધીમાં શહેરમાં 59 ઓમિક્રોનના કુલ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે બાકીના સારવાર હેઠળ છે.
શહેરમાં કેટલાક લોકો માસ્ક પહેરતા નથી અને કોઈ માસ્ક પહેરવાનું કહે તો સામે દલીલો કરવા લાગતા હોય છે. અમદાવાદથી બેંગલુરુ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક પેસેન્જર માસ્ક પહેર્યા વગર પહોંચી ગયો હતો. જેથી તેને માસ્ક પહેરવા ફ્લાઈટના ક્રૂમેમ્બર્સે સૂચના આપતા પેસેન્જરે તેમની સાથે વિવાદ કર્યો હતો. જેથી ક્રૂમેમ્બર્સે પાયલટને જાણ કરતા પાયલટે પણ તેને માસ્ક પહેરવાની સૂચના આપી હતી. પરંતુ પેસેન્જરે માસ્ક પહેરવાનો ઈન્કાર કરી પાયલટ સાથે રકઝક કરતા એરલાઈન્સના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. અધિકારીઓએ ત્યાં પહોંચી તેને ફ્લાઈટમાંથી ઉતારી મૂક્યો હતો. કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરવા અને એરલાઈન્સના સ્ટાફ સાથે રકઝક કરવા માટે તેની સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. (file photo)