અમદાવાદઃ ગુજરાતમાં ધૂમાડો ઓકતા વાહનોથી વધતા પ્રદૂષણને નાથવા માટે રાજ્ય સરકારે વર્ષ 2021થી ઈલેક્રટિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપવાની યોજના દાખલ કરી હતી. અને આ યોજનાને લીધે ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે. ઈલેક્ટ્રિક વાહનો ચલાવવામાં સસ્તા પડતા હોવાથી અમદાવાદમાં પણ ઘણાબધા લોકોએ ઈલેક્ટ્રિક વાહનો ખરીદીની સબસિડી મેળવવા માટેના ફોર્મ ભર્યા હતા. જેમાં 2000થી વધુ લોકોને સબસિડી મળી નથી. સબસિડી નહી મળતા ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારામાં અસંતોષ જોવા નળી રહ્યો છે. બીજી બાજુ અમદાવાદ આરટીઓ એવો દાવો કરવામાં આવ્યો છે. કે, સબસિડી મેળવવા માગતા અરજદારો અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો સબમિટ કરતા નથી. એટલે સબસિડી મળતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે 2021થી સબસિડી આપવાની યોજના અમલમાં મૂકી હતી. શહેરમાં આ સમયગાળામાં 15,648 અરજદારોએ સબસિડી મેળવવા અરજી કરી હતી. હજુ 2135 લોકોને રૂ.20 હજારથી માંડીને 1.5 લાખ સુધીની સબસિડી મળી નથી. ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે સબસિડીપેટે 900 કરોડ ફાળવ્યા હતા. 1.10 લાખ ટુ વ્હીલર, 10 હજાર કાર અને 70 હજાર થ્રી વ્હીલરને સબસિડી આપવાની હતી. ટુવ્હીલરનો લક્ષ્યાંક પૂરો થઈ ગયો છે. પરંતુ કાર અને થ્રી વ્હીલર ખરીદનારાને હાલ સબસિડી મળી રહી છે. સરકાર કિલોવોટ બેટરી પાછળ 10 હજાર સબસિડી આપતી હતી. આ ગણતરીએ ટુ વ્હીલરને અંદાજે 20 હજાર, કારને 1.5 લાખ અને થ્રી વ્હીલરને 50 હજાર સબસિડી મળી શકે છે.
આ અંગે અમદાવાદના આરટીઓના અધિકારીએ જણાવ્યું કે, સબસિડી માટે રજૂ કરવામાં આવતા ફોર્મ સાથે લોકો પૂરતા દસ્તાવેજ જોડતા નથી. જેને કારણે સબસિડી મેળવવામાં સમસ્યા સર્જાય છે. જે અરજદારે યોગ્ય પુરાવા જોડ્યા હોય તેમને 7 દિવસમાં જ સબસિડી મળી જતી હોય છે. વાહન ડીલરના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રિક ટુ વ્હીલરની ખરીદી કરનારાને સબસિડી મળશે નહીં.