અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે હજુ પણ લોકો સુધરતા નથી.પોલીસ માસ્ક વિનાના રોજ 2500થી વધુ લોકોને પકડીને નિયમ મુજબ દંડ વસુલ કર રહી છે. મંગળવારે માસ્ક પહેર્યા વગર ઝડપાયેલા લોકો પાસેથી કુલ 25.39 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સંખ્યા સતત વધી રહી છે. બુધવારે અને ગુરૂવારે પણ માસ્કવિના ફરતા ઘણા લોકો માટે પણ લોકોનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં હાલ રોજ માસ્ક પહેર્યા વિના રખડતા 2500થી વધુ લોકો પકડાય રહ્યા છે.ગત સોમવારે, 2,625 લોકો માસ્ક ન પહેરવા બદલ દંડાયા હતા અને તેમની પાસેથી 26.25 લાખ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી. ચૂંટણીના સમય દરમિયાન, ખૂબ જ ઓછા લોકો પાસેથી માસ્કના નિયમનો ભંગ કરવા પર દંડ લેવાયો હતો. આંકડા દર્શાવે છે કે ફેબ્રુઆરીમાં, માસ્કના નિયમના ઉલ્લંઘનના કેસ દિવસમાં 1 હજાર કરતાં ઓછા હતા, જ્યારે 12 ફેબ્રુઆરી સુધીમાં તે સંખ્યા ઘટીને માત્ર 122 થઈ ગઈ હતી. મંગળવારે કર્ફ્યૂ ઉલ્લંઘન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ભંગ માટે 407 કેસ નોંધાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ 407 કેસોમાં 415 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બુધવાર સવાર સુધીમાં આ મામલે કુલ 36,968 કેસમાં 38,185 લોકો ઝડપાયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો કોઈ કારણ વગર કર્ફ્યૂ દરમિયાન રખડતા ઝડપાયા હતા. એએમસીના અધિકારીઓેએ કહ્યું હતું કે, તેમની ટીમો પણ માસ્ક ન પહેરનારા પાસેથી દંડ વસૂલવામાં સામેલ હતી. પરંતુ કેટલા લોકો દંડાયા તેનો આંકડો તેમણે આપ્યો નથી. રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ વકરી છે અને પોલીસે જે આંકડા આપ્યા છે, તેના પરથી લોકો હજુ કોવિડ-19ની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન નથી કરી રહ્યા તે ચોક્કસપણે સ્પષ્ટ થાય છે. બુધવારની જ વાત કરીએ તો, રાજ્યમાં કોરોનાના નવા 12,553 કેસ નોંધાયા હતા, તેની સામે માત્ર 4802 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે 125 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં હાલનો રિકવરી રેટ 79.61 ટકા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 84,126 છે.