અમદાવાદઃ શહેરમાં પડેલા વરસાદે મ્યુનિ,કોર્પોરેશનના પ્રિ-માન્સુન પ્લાનના ધજીયા ઊડાવી દીધા હતા. શહેરના જાહેર રોડ પર વરસાદને કારણે ઠેર ઠેર ખાડાંઓ પડી ગયા છે. શહેરીજનો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે મ્યુનિ.દ્વારા રોડ મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ભાજપના સત્તાધીશો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરમાં પડેલા ભૂવા અને રોડ-રસ્તાઓના તૂટવા અંગેની ચર્ચા કર્યા બાદ મરામતના કામો ત્વરિત શરૂ કરવા આદેશ અપાયો હતો.
મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ બેઠક બાદ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટ્યા છે અને ભૂવા પડ્યા છે. ત્યાં ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદમાં થયેલા નુકસાનના કારણે ઝડપી કામગીરી કરવા માટે એન્જિનિયરિંગ અને અન્ય વિભાગના કર્મચારીઓ બે શિફ્ટમાં 15થી 16 કલાક કામગીરી કરશે. જેટલા પણ ખાડા પડ્યા છે અને ભૂવા પડ્યા છે તેને રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ જેટલું પણ નુકસાન અમદાવાદ શહેરમાં થયું છે. તેને અંગે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. શહેરમાં ભારે વરસાદ બાદ રોડ રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચાર હજારથી વધુ ખાડા રિપેર કરવામાં આવ્યા છે અને દરરોજના 1000 જેટલા ખાડાઓ રિપેર કરવામાં આવી રહ્યા છે. 27 જેટલી ગટર લાઇનો બ્રેકડાઉન થઇ છે, જેમાં અત્યાર સુધીમાં સાત બ્રેકડાઉન રિપેર થઈ ચૂક્યા છે. જ્યારે બ્રેકડાઉનની કામગીરી બાકી છે, જે આગામી સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં 3300 કિલોમીટરની ડ્રેનેજ લાઈન છે અને 937 કિલોમીટરની સ્ટ્રોર્મ વોટર લાઈન છે. સ્ટ્રોર્મ વોટર લાઈન ખૂબ જ ઓછી છે, જેથી આ વખતે વર્લ્ડ બેંક લોન પ્રોજેક્ટમાં સ્ટ્રોર્મ વોટર લાઈન અપગ્રેડ કરવામાં આવશે. જેમાં બે હજાર કિલોમીટર લાંબી લાઈન કરવામાં આવશે. જૂની જે ડ્રેનેજ લાઈનનો છે, તેને પણ બદલવાની કામગીરી આ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં એક વર્ષ પહેલાં જે નવા વિસ્તારો બોપલ, ઘુમા વગેરે છે, જેમાં સ્ટ્રોર્મ વોટર લાઈન નથી તેને ડેવલોપ કરવામાં આવશે જે પણ ગટરલાઇનમાં બ્રેક ડાઉન થયું છે તેને રિપેર કરવામાં આવે છે. નવી જે ડ્રેનેજ લાઇન નાખવામાં આવે છે. તેમાં જૂની જે ખામીઓ રહી જાય છે. તેને ધ્યાને રાખી અને રાખવામાં આવશે. જેથી આગામી વર્ષોમાં સમસ્યા ન સર્જાય.