અમદાવાદમાં બીયુ પરમિશન અને ફાયરસેફ્ટી મુદ્દે મનપાએ 1600 એકમ કર્યાં સીલ
- હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર હરકતમાં
- સુરત મનપાએ શરૂ કરી કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાતમાં ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા તંત્ર સફાળુ જાગ્યું છે. બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી નહિ ધરાવતા એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં મનપા દ્વારા 1600 જેટલા યુનિટોને 3 દિવસમાં સીલ મારવામાં આવ્યાં છે. જ્યારે સુરતમાં પણ એક હોસ્પિટલ, બે સ્કૂલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી જેમાં તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ નિર્દેશ કર્યો હતો કે, બીયુ પરમિશન કે ફાયર સેફ્ટી ન હોય તેવી તમામ ઇમારતોની યાદી તમામ શહેરો અને નગરપાલિકાઓ રજૂ કરે. દરમિયાન અમદાવાદ મ્યુનિ.એ બીયુ પરમિશન, ફાયર સેફ્ટી નહિ ધરાવતા 1600 થી વધુ ઓફિસો, દુકાનો, હોટેલ, સ્કૂલો, રેસ્ટોરન્ટ સહિતના એકમોને સીલ કર્યા છે. પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા 9 શાળાને સીલ કરવામાં આવી હતી.
સુરતનું ફાયર વિભાગ પણ હરકતમાં આવ્યું છે. એક હોસ્પિટલ, બે સ્કૂલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે. સીલ કરાયેલા એકમોમાં ફાયરના સાધનો અપૂરતા જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ હાઈકોર્ટમાં અરજી થઈ હતી. અરજીની સુનાવણી દરમિયાન બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીના મુદ્દે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ અમદાવાદ કોર્પોરેશનને ખખડાવી હતી.