Site icon Revoi.in

અમદાવાદમાં ટ્રાવેલ્સની બસોને બપોરે 1થી 3માં એન્ટ્રી નહીં અપાય તો ઓપરેટરો અનશન કરશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ખાનગી લકઝરી બસ સહિત ભારે વાહનોને દિવસ દરમિયાન એન્ટ્રી માટે પ્રતિબંધ છે. ત્યારે ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર સમક્ષ શહેરમાં બપોરે 1થી 3 દરમિયાન ‘નો એન્ટ્રી’માં ખાનગી બસને પ્રવેશ આપવા દેવા માગણી કરી છે. માગણી પૂરી નહિ થાય તો આગામી 20 સપ્ટેમ્બરથી અનશન પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ અનશનમાં રાજ્યભરનાં ટ્રાવેલ્સના માલિકો જોડાશે. તેવી જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ભારે વાહનોને પ્રવેશબંધી ઘણા સમયથી ચાલી રહી છે. માત્ર એસટી બસો, સરકારી વાહનો અને જે વાહનોને પ્રવેશ માટે પરમિટ આપવામાં આવી હોય એવા વાહનોને જ પ્રવેશ આપવામાં આવે છે. ખાનગી લકઝરી બસને શહેરની બહાર બસ ઊભી રાખીને નાના ખાનગી વાહનોમાં પ્રવાસીઓને શહેરમાં લાવવામાં આવે છે. આથી ખાનગી બસના ઓપરેટરો અમદાવાદ શહેરમાં ટ્રાફિક ઓછો હોય એવા સમયે એટલે કે, બપોરના 1થી 3 વાગ્યા દરમિયાન પ્રવેશ માટે છૂટ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. બાપુનગર ટ્રાવેલ્સ ઓનર્સ એન્ડ એજન્ટ યુનિયન દ્વારા અગાઉ પણ રાતના સમયે 2 કલાકની છૂટછાટ તથા બપોરે 2 કલાક ‘નો એન્ટ્રી’માં ખાનગી બસને પ્રવેશ આપવા દેવામાં આવે તેવી માગ કરી હતી. આ અંગે પોલીસ અને ટ્રાવેલ્સ યુનિયન વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં રાતના સમયે 1 કલાક છૂટછાટ આપવામાં આવી હતી. બપોરના સમયે ‘નો એન્ટ્રી’માં એન્ટ્રી આપવા કોઈ નિર્ણય કરવામાં આવ્યો નહોતો, જેને લઈને હવે ફરી એકવાર ટ્રાવેલ્સ યુનિયને માગ કરી છે.

ટ્રાવેલ્સ યુનિયનના સૂત્રોએ જણાવ્યું હતું કે, બપોરના સમયે ‘નો એન્ટ્રી’ હોવાથી ખાનગી બસ કે લક્ઝરી શહેરમાં પ્રવેશી શકતી નથી, જેના કારણે મુસાફરો હેરાન થાય છે. મુસાફરોના હિતમાં સરકાર દ્વારા નિર્ણય કરીને છૂટછાટ આપવી જોઈએ. અગાઉ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી જેના પરિણામરૂપે રાતના સમયે એક કલાકની છૂટછાટ મળી છે પરંતુ, બપોરના સમયે માટે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. (file photo)