અમદાવાદમાં વાલીઓ હવે ખાનગી નહીં પણ મ્યુનિની શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છે
અમદાવાદઃ રાજ્યભરના મહાનગરોમાં હવે વાલીઓ પોતાના બાળકોને ભણાવવા માટે સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષની સરખામણીએ ધો.1માં સરકારી સ્કૂલોમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. ચાલુ શૈક્ષણિક સત્રમાં 23 હજાર વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં એડમિશન લીધું છે. જ્યારે કે સમગ્ર અમદાવાદની સરકારી અને ખાનગી સ્કૂલોમાં આ વર્ષે 78 હજાર વિદ્યાર્થીઓએ ધો.1માં પ્રવેશ મેળવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાને કારણે વાલીઓની આર્થિક સ્થિતિ કથળતા અને ઓનલાઇન ક્લાસમાં નાની ઉંમરના બાળકોને સમજાતું ન હોવાથી વાલીઓએ સરકારી સ્કૂલોમાં એડમિશન લેવાનું શરૂ કર્યું હતું. એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા મુદ્દે શાસનાધિકારીએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજના અને નીતિને કારણે ધો.1માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. તમામ વિદ્યાર્થીઓને સમાવવા અમે નવા ઓરડા અને સિસ્ટર સ્કૂલનો કોન્સેપ્ટ અમલમાં મુક્યો છે. વાલીઓએ અમારા પર વિશ્વાસ મુક્યો છે તેને અમે નિભાવીશું.
અમદાવાદ શહેરમાં 30 સપ્ટેમ્બર સુધીમાં ખાનગી સ્કૂલોમાંથી 5961 વિદ્યાર્થીઓએ સરકારી પ્રાથમિક સ્કૂલમાં ધો.2થી 8માં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે કે 2019-20માં આ આંકડો 5272 વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.