Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ.દ્વારા પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાશે, સોસાયટીઓ બહાર સ્ટ્રીટ પાર્કિગ બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં રોજબરોજ વાહનો વધતા જાય છે. સાથે પાર્કિંગની સમસ્યા પણ માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પાર્કિંગ પોલીસી બનાવીને તેને રાજ્ય સરકારને મંજુરી માટે મોકલી હતી. સરકારે નવી પાર્કિંગ પોલીસીને લીલી ઝંડી આપી દેતા હવે મ્યનિ. દ્વારા નિયમો બનાવીને તેનો અમલ શરૂ કરાશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોમર્શિયલ માર્કેટ, સર્વિસ સેક્ટરની ઓફિસ, કોર્પોરેટ ઓફિસ તથા રેસિડેન્શિયલ વિસ્તાર હોવાથી સવારે પિક અવર્સના સમયે તથા સાંજે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. આવી જ રીતે પૂર્વ અમદાવાદમાં ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ છે. આ કારણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પિક અવર્સ સમયે ટ્રાફિકજામની સ્થિતિ વધુ વિકટ બની છે. રાજ્ય સરકારે 16 ઓક્ટોબરના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી દીધી છે, જે મુજબ શહેરમાં ટ્રાફિકના ભારણ મુજબ ત્રણ ઝોનમાં એરિયા લેવલના પાર્કિંગ બનાવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા ટ્રાફિક અને પાર્કિંગનો સર્વે કરીને ડેટા તથા અનુમાનોનું વિશ્લેષણ કરાયું હતું. એ મુજબ શહેરમાં હાઈ ડિમાન્ડ પાર્કિંગ રોડ, મિડિયમ ડિમાન્ડ પાર્કિંગ ઝોન અને લો ડિમાન્ડ પાર્કિંગ ઝોન મુજબ એરિયા લેવલના પાર્કિંગ પ્લાન બનાવાશે. હાઈ ડિમાન્ડ પાર્કિંગ ઝોનમાં આશ્રમ રોડ, સી.જી રોડ, 120 ફૂટ રિંગ રોડ તથા કોટ વિસ્તારના મુખ્ય રોડ વગેરે હશે. મિડિયમ ડિમાન્ડમાં પાર્કિંગ રોડમાં 132 ફૂટ રિંગ રોડ, એસજી હાઈવે વગેરે જેવા રસ્તાનો સમાવેશ કરાશે, જ્યારે લો ડિમાન્ડ પાર્કિંગ રોડમાં એસ.પી રિંગ રોડની આજુબાજુના વિસ્તારો, સોસાયટીઓના ઈન્ટર્નલ રોડ વગેરે રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં પબ્લિક પાર્કિંગની સુવિધાઓને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવશે  ઓન સ્ટ્રીટ પાર્કિંગ અને  ઓફ સ્ટ્રીટ પાર્કિંગ, જેમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગમાં સમગ્ર શહેરના રસ્તાઓ પૈકી જરૂર જણાય એ મુખ્ય રસ્તાઓ પર પાર્કિંગ માટેના લોકેશન શોધીને ‘પે એન્ડ પાર્ક’ તરીકે જાહેર કરાશે. આ માટે વધારે પહોળાઈના રસ્તાઓ, ટ્રાફિકની અવરજવર તથા સ્થળની સ્થિતિ જેવાં પાસાઓ ધ્યાનમાં લેવાશે. જ્યારે ઓફ સ્ટ્રીટ પાર્કિંગમાં મુખ્યત્વે સર્ફેસ પાર્કિંગ, મલ્ટીલેવલ પાર્કિંગ, મિકેનિકલ પાર્કિંગ, અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ, ટેરેસ પાર્કિંગ વગેરેનો સમાવેશ થાય છે. વાહનમાલિકોને નિયત જગ્યાએ વાહન પાર્ક કરવા માટે માસિક/ત્રિમાસિક/છ માસિક/ વાર્ષિક ધોરણે પાસ અપાશે

શહેરમાં બહારથી આવતા વાહનચાલકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્ટેશનની નજીક જ પાર્ક એન્ડ રાઈડની સુવિધા ઊભી કરાશે. એ પાર્કિંગ પ્લોટ્સમાં વાહન પાર્ક કરીને વ્યક્તિ જાહેર પરિવહનમાં શહેરની અંદર મુસાફરી કરી શકશે. આવા પાર્ક એન્ડ રાઈડનાં સ્થળોએ શટલ સર્વિસ, ઈ-બાઈટ, સાઇકલ શેરિંગ સિસ્ટમ વગેરે પૂરી પાડવાનું આયોજન કરવામાં આવશે. શહેરમાં પાર્કિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે, જેમાં AMDA PARK મોબાઈલ એપ્લિકેશન દ્વારા રિયલ ટાઈમ પાર્કિંગ ગાઈડન્સ, રેકોર્ડનું ધ્યાન, ફાઈનાન્શિયયલ મેનેજમેન્ટ, મોનિટરિંગ વગેરે કરાશે. એપ દ્વારા વાહનચાલક આસપાસના પાર્કિંગ પ્લેસમાં ખાલી જગ્યા વિશે માહિતી મળશે. નવી નીતિ અનુસાર, ઓફિસ, મોટાં કાર્યાલય, શાળા, બેંકો, વ્યાવસાયિક પાર્ક, મોલ અને ઉદ્યાનોમાં પાર્કિંગની માગ સતત રહેતી હોય છે, જેને નિવારણ માટે પણ નવી નીતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તદુપરાંત નવાં મકાનો અને એકબીજાની નજીકનાં સ્થળોએ પાર્કિંગ સ્થાનની વહેંચણી કરવી જરૂરી છે. આ સંબંધિત સમસ્યાને AMCના અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આપશે. શહેરમાં સાર્વજનિક પરિવહન માટે પણ દિશાનિર્દેશો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ટેક્સીચાલકો, ઓટોરિક્ષાચાલકો અને ટ્રકચાલકો માટે મફત ઓન-સ્ટ્રીટ સ્પોટ નામાંકિત કરાશે, જેમાં અન્ય વાહનોને પ્રવેશ અપાશે નહીં. તો શહેરમાં પરિવહન નિગમે પહેલેથી જ ઓટોરિક્ષાઓ માટે 3,955 પાર્કિંગ સ્થળ નક્કી કરી લીધાં છે. જ્યારે નવી પાર્કિંગ પોલિસીમાં ઈલેક્ટ્રિક વાહનોને ખાસ રાહત આપવામાં આવી છે. હાલમાં જ રાજ્ય સરકારે જાહેર કરેલી ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી-2021ને પ્રોત્સાહન મળે એ માટે પાર્કિંગ પોલિસી અમલમાં આવ્યાથી 3 વર્ષ સુધી ઈલેક્ટ્રિક વાહનોને પાર્કિંગના ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવા અંગે વિચારણા કરાશે.