Site icon Revoi.in

અમદાવાદમાં લોકોએ દિવસે પતંગો ચગાવી અને સાંજે ફટાકડા ફોડીને વાસી ઉત્તરાણ મનાવી

Social Share

અમદાવાદઃ શહેરમાં ઉત્તરાણની જેમ વાસી ઉત્તરાણનું પર્વ પણ શહેરીજનોએ ભારે આનંદોલ્લાસથી મનાવ્યું હતુ. જેમાં સાનુકૂળ પવનને લીધે શહેરીજનોએ પતંગો ચગાવી એકબીજાના પેચ લઈને મોજ માણી હતી. અને સૂરજ ઢળતાની સાથે જ આકાશમાં આતશબાજી શરૂ થઈ હતી. આકાશમાં પતંગોની જગ્યાએ ફટાકડા જોવા મળ્યા હતા. લોકોએ રંગબેરંગી ફટાકડા લોકોએ ફોડ્યા હતા.​​​​​​

અમદાવાદ શહેરમાં વાસી ઉત્તરાણના પર્વએ પણ શહેરીજનોએ રંગબેરંગી પતંગો ચગાવીને તેમજ એકબીજાના પેચ કાપીને એ..કાપ્યો છે…લપેટ લપેટની બુમો સાથે મોજ માણી હતી. દર વખતની જેમ આ વખતે પણ ઉત્તરાણ કરતા વાસી ઉત્તરાણે સવારથી જ પતંગો માટે સાનુકૂળ પવન હતો. લોકો વહેલી સવારથી ધાબા પર ચડીને રંગબેરંગી પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. ધાબે ડીજેના તાલે લોકોએ પતંગ ચગાવી હતી. દર વખતની જેમ આ વર્ષે અમદાવાદ શહેરમાં અનેક લોકો દેશ-વિદેશથી ઉત્તરાયણ કરવા આવ્યા છે. કોરોના બાદ આ બીજા વર્ષે લોકોએ ભયમુક્ત થઈ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સમી સાંજ બાદ લોકોએ ફટાકડા ફોડી, ગરબા રમીને ઉજવણી કરી હતી.

અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પણ ઉત્તરાયણના ત્રણ દિવસ દરમિયાન ઝાડ, તાર તેમજ અલગ- અલગ જગ્યાએથી પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી પક્ષીઓ બચાવવા માટેના 73 કોલ મળ્યા હતા.  ઓઢવ વિસ્તારમાં ટાવર પર પક્ષી દોરીમાં ભરાઈ ગયું હતું. જેને બચાવવા માટે હાઈડ્રોલિક પ્લેટફોર્મ સીડીનો ઉપયોગ કરાયો હતો. જ્યારે નવરંગપુરા અને થલતેજ વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં પક્ષી દોરીમાં ફસાઈ જવાના કારણે હાઈડ્રોલિક પ્લેટફોર્મ સીડીનો ઉપયોગ કરાયો હતો. ત્રણ દિવસ દરમિયાન આગના 18 કોલ આવ્યા હતા. જેમાંથી બે તુક્કલના કારણે આગ લાગી હોવાના હતા.