Site icon Revoi.in

અમદાવાદમાં પાલતું ડોગ માટે લાયસન્સ લેવું પડશે, રખડતા કૂતરા માટે RFID ચીપ લગાડાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા અને પાલતુ કૂતરાઓ માટે પોલીસી બનાવી છે. રેબિઝ ફ્રી સિટી 2030ના પ્લાન મુજબ રખડતાં કૂતરાંની સાથે પાલતુ કૂતરા માટે પણ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.  જો કોઈપણ વ્યક્તિને ઘરે કૂતરો પાળવો હોય તો તેને ફરજિયાતપણે લાઈસન્સ લેવું પડશે. લાઈસન્સ ફી રૂ.500થી 1000ની વચ્ચે નક્કી કરાશે. ઉપરાંત રખડતાં કૂતરાંને આરએફઆઈડી ચિપ લગાડાશે. આ માટે મ્યુનિ. 1.80 કરોડનો ખર્ચે કરાશે. એના માટેના ટેન્ડર પણ બહાર પડાઈ ચૂક્યાં છે.

અમદાવા શહેરમાં વર્ષ 2019માં થયેલી ગણતરી મુજબ અંદાજે 2.30 લાખ રખડતા કૂતરાઓ હતા ત્યારબાદ પણ તેની વસતીમાં વધારો થયો છે. મ્યુનિ. દ્વારા રખડતાં કૂતરાંને હડકવા વિરોધી રસી મુકાશે. પરંતુ એ રસીની અસર એક વર્ષ જ રહેશે. શહેરને હડકવામુક્ત બનાવવું હોય તો દર વર્ષે રસી આપવી પડે. હડકવામુક્ત શહેરમાં રખડતાં કૂતરાંને રઝળતી ગાયોની જેમ આરએફઆઈડી ચિપ લગાડાશે. આ માટે મ્યુનિ. 1.80 કરોડ ખર્ચે કરશે. ટેન્ડર પણ બહાર પડાઈ ચૂક્યાં છે. જ્યારે પાલતુ કૂતરાં માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમાં કૂતરાના માલિકે રસીકરણનું સર્ટિફિકેટ, કૂતરાને રાખવાની જગ્યાના ફોટા પાડી અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ મ્યુનિ.ની સીએનસીડી વિભાગની ટીમ સ્થળ તપાસ કરશે. 2021-22માં કૂતરાં કરડવાની તેમજ ઉપદ્રવ નાથવા કૂતરાંને પકડી જવાની 4158, 2022-23માં 8509, 2023-24માં 11,676 ફરિયાદો એએમસીને મળી હતી.

એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં પાલતું ડોગના માલિકોએ ધ્યાન રાખવું પડશે કે તેના કૂતરાંથી આસપાસના લોકોને હેરાનગતિ ના થાય. ગલુડિયું કોઈને આપે તો તેની જાણ મ્યુનિ.ને કરવી ફરજિયાત રહેશે. ઉપરાંત કૂતરાના માલિકના ઘરની બહાર બારકોડ લગાવવાનો પણ વિચાર છે. આ બારકોડમાં કૂતરા તથા તેના માલિકની માહિતી તેમાં હશે. રેબિસ ફ્રી બનાવવા માટે ડોગબાઈટ કેસોનું એનાલિસિસ કરાશે, કરડતા તથા તેના સિઝનલ મુજબ તેના વ્યવહારમાં થતા ફેરફાર વિશે સંશોધન કરાશે. આઈઈસી એક્ટિવિટી કરાશે. દર મહિને બેઠક યોજી સમીક્ષા કરવામાં આવશે. તેના માટે મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવશે. તેમાં મ્યુનિ. કમિશનર ચેરમેન હશે. જ્યારે અન્ય 13 સભ્યોમાં 2 વાઈસ ચેરમેન, 2 સભ્ય સચિવ અને 9 સભ્યોની મોનિટરિંગ કમિટી હશે.