અમદાવાદઃ ગુજરાતમાં પોલીસના કર્મચારીઓને સિટબેલ્ટ, હેલ્મેટ સહિતના ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ લોકોમાં રૂઆબ જમાવવા માટે પોલીસ કર્મચારીઓ પોતાના વાહનો પર પોલીસની નેમ પ્લેટ રાખતા હોય તે દર કરવા માટે રાજ્યના પોલીસ વડા (DG)એ પરિપત્ર જોહેર કર્યો હતો. ત્યારબાદ અમદાવાદ સહિત મહાનગરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુય જેમાં અમદાવાદમાં અનેક પોલીસ કર્મચારીઓ કાર ચલાવતી વખતે સીટબેલ્ટ તેમજ બાઈક-સ્કૂટર પર હેલ્મેટ ન પહેરીને ટ્રાફિક કાયદાને ભંગ કરતા જોવા મળ્યા હતા. કેટલાક પોલીસ કર્મચારીઓની કાર પર પોલીસની નેમ પ્લેટ જોવા મળી હતી. ટ્રાફિક પોલીસે નિયમ મુજબનો દંડ ફટકાર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની જવાબદારી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની હોય છે પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જ આ નિયમોનું પાલન ન કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. જે મામલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ પરિપત્ર જાહેર કરી પોલીસ કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. આ બાબતે ડ્રાઇવ રાખવા પણ સૂચના આપી હતી. જેના પગલે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. શાહીબાગ પોલીસ હેડ ક્વોર્ટરની બહાર યોજવામાં આવેલી ડ્રાઈવ દરમિયાન અનેક પોલીસ કર્મચારીઓ હેલમેટ વગર તેમજ સીટબેલ્ટ વગર ઝડપાયા હતા. તો કેટલાક પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો પોલીસની પ્લેટ લગાવી ફરતા ઝડપાયા હતા.
ટ્રાફિક પોલીસ અધિકારીના કહેવા મુજબ શહેરના શાહીબાગ પોલીસ હેડ ક્વોર્ટર બહાર ડ્રાઈવ કરવામાં આવી હતી. તેમાં ખુદ અમદાવાદ પોલીસના કર્મચારીઓ જ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હતા. ડ્રાઈવ દરમિયાન એક કારચાલક પોલીસ લખેલી પ્લેટ લગાવી ચાલુ વાહને ફોન પર વાત પણ કરતો હતો. જેથી તેને રોકવામાં આવ્યો હતો. દંડ પણ કરવામાં આવ્યો હતો. ટ્રાફિકના વિવિધ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની પણ છે. જ્યારે પોલીસ સામાન્ય નાગરિકો પાસે વાહનના નિયમોનું પાલન કરાવતી હોય અને જો તેનો ભંગ કરે તો તેમની સામે દંડની કાર્યવાહી કરે છે. ત્યારે પોલીસે પણ આ નિયમોનું પાલન કરવું જોઈએ. તેને લઈને રાજ્ય પોલીસવડા દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે જ્યારે કોઈપણ પોલીસ પોતાનું વાહન લઈને નીકળે ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરે. અમદાવાદ શહેરમાં કેટલાક પોલીસ કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી અને પોલીસ લખેલી પ્લેટ કે વાહન પર પોલીસ લખાવી નીકળે છે. જેને લઇ અને અમદાવાદ શહેરમાં ડ્રાઇવ કરવામાં આવી હતી. એમાં પોલીસના કર્મચારીઓ સીટબેલ્ટ વગર હેલમેટ વગર અને પોલીસની પ્લેટ લગાવેલા જોવા મળ્યા હતા, જેમને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ કરવામાં આવ્યો હતો.