અમદાવાદઃ શહેરમાં ઘણાબધા કોમર્શિયલ પ્રોપર્ટી ધારકો મ્યુનિ. કોર્પોરેશનનો વેરો ભરતા નથી. અવારનવાર નોટિસો આપીને મિલ્કતો ટાંચને સીલ મારીને ટાંચમાં લીધી હોવા છતાં યે પ્રોપર્ટી ટેક્સ ભરાયો નથી. આથી હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે-તે મિલકતધારકની મિલકતની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમાં સૌપ્રથમ શહેરના નવરંગપુરા સીજી રોડ અને એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી કુલ પાંચ જેટલી મિલકતની હરાજી કરવામાં આવશે. પાંચેય મિલકતોની સરકારી માન્યતા મુજબ, અપસેટ પ્રાઇસ રૂ. 4.48 કરોડ નક્કી કરવામાં આવી છે, જેને મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મળ્યા બાદ હવે હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની મુખ્ય આવક પ્રોપર્ટી ટેક્સની છે. દર વર્ષે બાકી પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં રિબેટ પણ આપવામાં આવતું હોય છે. છતાં પણ પ્રોપર્ટીધારકો ટેક્સ ભરતા નથી. બાકી પ્રોપ્રટીધારકોને ટેક્સ વસુલાત માટે અવાર-નવાર નોટિસો પણ ફટકારવામાં આવી છે. શહેરના કેટલાક કોમર્શિયલ પ્રોપર્ટીધારકો પાસે પણ કરોડો રૂપિયાનો ટેક્સ બાકી બોલી રહ્યો છે. ત્યારે શહેરના પશ્વિમ વિસ્તારમાં પાંચ જેટલી મિલ્કતોની હરાજી કરવાનો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ પાંચ મિલકતની હરાજી અંગેની અખબારોમાં જાહેરાત આપવામાં આવશે. 15 દિવસના હરાજીના સમય સુધીમાં જો મિલકતધારક દ્વારા ટેક્સ ભરી દેવામાં આવશે તો એની મિલકતની હરાજી કરવામાં આવશે નહીં.
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે જે મિલકતધારકની ટેક્સની રકમ બાકી હોય તેને અવારનવાર નોટિસો આપવાની તેમજ મિલકતમાં બોજો નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે છતાં પણ ટેક્સધારકો દ્વારા ટેક્સ ભરવામાં આવતો નથી. એને લઈ હવે મિલકતોની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કુલ 615 જેટલી મિલકતની હરાજી કરવા અંગેની પ્રક્રિયા કરવામાં આવી હતી. એ માટે અખબારોમાં જાહેરાત સહિતની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. એમાંથી 65 જેટલા ટેક્સધારક દ્વારા તેમનો બાકી ટેક્સ સંપૂર્ણપણે ભરી દેવામાં આવ્યો છે. કુલ 553 જેટલા ટેક્સધારકો દ્વારા હજી સુધી ટેક્સ ભરવામાં ન આવતા તેમની મિલકતોની હરાજી કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌપ્રથમ તબક્કામાં પશ્ચિમ ઝોનની પાંચ જેટલી મિલકતને હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિલકતની અપસેટ પ્રાઇસ સરકારી માન્યતા ધરાવતા પાસે નક્કી કરાવવામાં આવી છે. અપસેટ પ્રાઇસ નક્કી કર્યા બાદ એની હરાજી કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેવામાં આવી છે. મિલકતની હરાજીથી વેચાણ કરવા અંગેની જાહેરાત અખબારોમાં આપવામાં આવશે અને ત્યાર બાદ એનો સમય, સ્થળ અને તારીખ નક્કી કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે 15 દિવસના સમયગાળામાં જો કોઈપણ મિલકતધારક પોતાનો ટેક્સ ભરી જશે તો તેની મિલકતની હરાજી થશે નહીં, પરંતુ જો તે ટેક્સ નહીં ભરે તો જુલાઈ મહિનાના અંત સુધીમાં આ પાંચેય મિલકતોની હરાજીપ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેતુ ફક્ત ટેક્સ રિકવરીનો જ છે. કોઈની મિલકતનો કબજો લેવાનો કે વેચવાનો નથી. જેથી હજુ પણ હરાજી તારીખ પહેલાં પૂરેપૂરી ટેક્સની રકમ ભરીને હરાજીની પ્રક્રિયાથી બચવા તમામ કરદાતાઓને અપીલ કરવામાં આવે છે.