- અમદાવાદમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વિવિધ વિસ્તારોમાં પડ્યો વરસાદ
- કાળાડિબાંગ વાદળોએ લોકોને ચોમાસાની યાદ અપાવી
અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. આજે સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.શહેરના માધુપુરા,સરખેજ, સેટેલાઇટ, રાણીપ, બોપલ, રિંગ રોડ, બોડકદેવ,મણિનગર, ચાંદખેડા, સાયન્સ સિટી, બાપુનગર, વાડજ ,વસ્ત્રાપુર, નારાણપુરા, ઘાટલોડિયા, શાસ્ત્રીનગર, નારોલ, નવરંગપુરા અને એસ. જી હાઇવે પર ધોધમાર વરસાદ નોંધાયો હતો. શહેરમાં કાળા ડિબાંગ વાદળોએ લોકોને ચોમાસાની યાદ અપાવી દીધી હતી.
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના બાવળા, ધોળકા, બગોદરા, સાણંદ, ધંધુકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ડાંગરના ઢગલા પડયા હોવાથી ખેડૂતોને નુકસાનનો ભય સતાવી રહ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ ધપી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે. હાલમાં અમરેલી ના ધારી અને જાફરાબાદના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. જેના લીધે ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી. જ્યારે કચ્છના ભુજ તથા નખત્રાણા તાલુકામાં માવઠું પડ્યું હતું. મોડી રાતે આ વાઠાને લીધે અનેક જગ્યાએ વીજ સપ્લાય ઠપ થઈ ગયો હતો.