Site icon Revoi.in

અમદાવાદમાં સ્કૂલવાહનો 20ની સ્પીડે જ ચલાવી શકાશે, 38 વાહનોને RTOએ આપી પરમિટ,

Social Share

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર વધુ સજાગ બન્યું છે. દરમિયાન રાજ્ય સરકારે પણ તમામ આરટીઓને ગેરકાયદે ચાલતી સ્કુલવાનો સામે પગલાં લેવાનો આદેશ આપતા તમામ મહાનગરોમાં સ્કુલવાન ચેકિંગની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં આરટીઓ દ્વારા છેલ્લા બે દિવસમાં 38 સ્કૂલ વાહનને પરમિટ આપી છે. જો કે દર વર્ષે વાહનમાલિકોએ આ પરમિટ રિન્યુ કરાવવાની હોય છે. 5 વર્ષથી સ્કૂલવર્ધીના વાહનો પરમિટ વગર દોડતાં હતા. પરમિટ આપતી વખતે સ્કૂલવર્ધીના વાહનો 20ની સ્પીડે દોડાવવાં પડશે, જો તેના વધી સ્પીડ હશે તો કાર્યવાહી કરાશે.

અમદાવાદ આરટીઓ દ્વારા સ્કૂલવાન સંચાલકોને પરમિટ ન હોય તો સત્વરે લઈ લેવા જણાવાયુ હતુ. તેમજ નિયમ મુજબ સ્કૂલવાન ચલાવવા સહિત સુચના આપવામાં આવી હતી. દરમિયાન આરટીઓ દ્વારા બનાવેલા નિયમોને લઈને અગાઉ સ્કૂલવાન એસોસિએશને કેટલાક મુદ્દા પર વાંધા ઉઠાવ્યા હતા. જેને કારણે 2019થી પરમિટ આપવાનું બંધ કરી દેવાયું હતું. છેલ્લા 5 વર્ષથી સ્કૂલવાન પરમિટ વગર ચાલતા હોવાના કારણે પોલીસ, આરટીઓ દ્વારા ચેકિંગ કરાયું ન હતું. સ્કૂલવર્ધી એસોસિએશન સાથે જોડાયેલા અંદાજિત કુલ 15 હજાર સ્કૂલવાન અને રિક્ષા છે. આરટીઓના અધિકારીએ જણાવ્યું કે, કોઈપણ સ્કૂલવાન કે રિક્ષા નિયોમોનો ભંગ કરશે તો પોલીસને જાણ કરવાની રહેશે અને પરમિટ રદ કરવા સુધીના પગલાં લેવાશે.

અમદાવાદના આરટીઓ અધિકારીના કહેવા મુજબ સ્કુલવાન ચાલકોએ આરટીઓના નિયમોનું ચુસ્તરીતે પાલન કરવું પડશે. જેમાં સ્કુલવાન  20ની સ્પીડે ચલાવવું પડશે. પ્રતિ કલાક 20થી વધુ સ્પીડ હશે તો પગલાં લેવામાં આવશે. તેમજ   બાળકોના દફ્તરને સ્કૂલવાનની બહાર લટકાવી શકાશે નહીં. દરેક વાનમાં અગ્નિશામક સાધનો લગાવવા પડશે. ઉપરાંત  પ્રાથમિક સારવારની કિટ રાખવાની રહેશે. સ્કૂલવાનના દરવાજા તાળાથી બંધ કરેલા હોવા જોઈએ. અને ડ્રાઈવરની સીટ પર બાળકોને બેસાડી શકાશે નહીં. (FILE PHOTO)