Site icon Revoi.in

અમદાવાદમાં ન્યુ સાયન્સસિટી રોડ પર ગરબામાં નાના બાળકોને પ્રવેશ ન અપાતા બબાલ

Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં નવરાત્રીનો ઉત્સવ રંગેચંગે ઊજવાય રહ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂંમે છે. દરમિયાન શહેરના એસપી રીંગ રોડ પર ન્યુ સાયન્સ સીટી રોડ તરફ જતા મધુબન પાર્ટી પ્લોટમાં યોજાયેલા મંડળીના ગરબામાં આયોજકો દ્વારા 12 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ આપવામાં ન આવતાં ખેલૈયાઓએ હોબાળો કર્યો હતો. ગરબાના આયોજકોનો લોકોએ હુરિયો બોલાવ્યો હતો અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ત્રણ દિવસ પહેલા નાના બાળકોને ગરબામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ અચાનક જ નાના બાળકોને પ્રવેશ આપવાનો બંધ કરી દેવામાં આવતા જે લોકોએ પાસ ખરીદ્યા હતા તમને નાના બાળકો સાથે પ્રવેશ ન અપાતા હોબાળો કર્યો હતો.

અમદાવાદ શહેરમાં એસપી રિંગ રોડ પરના ન્યુ સાયન્સસિટી રોડ તરફ જતા મધૂબન પાર્ટી પ્લોટ્સમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. રોજ જુદી જુદી પાર્ટીઓને બોલાવવામાં આવે છે, અને ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂંમે છે. દરમિયાન ગઈકાલે ગરબાના આયોજકોએ એકાએક એવો નિર્ણય લીધો હતો કે, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ત્યારે કેટલાક ખેલૈયૈઓએ પોતાના 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે પ્રવેશ માટે ગેઈટ પર આવતા જ સિક્યુરિટીએ બાળકો સાથે પ્રવેશની ઘસીને ના પાડી દેવામાં આવી હતી. આથી પાસના રૂપિયા ખર્ચીને આવેલા ખેલૈયૈઓએ પોતાના બાળકો સાથે પ્રવેશ આપવા માથાકૂટ કરી હતી. અને લોકોએ હોબાળો મચાવ્યો હતો. 100થી વધારે લોકો બહાર ઉભા હતા આયોજકો દ્વારા બાળકો સાથે પ્રવેશ નહીં જ આપવાનો નિર્ણય કરવામાં આવતા પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ પણ ત્યાં આવી હતી જોકે પોલીસે પણ ગરબા આયોજકના નિયમ પ્રમાણે થશે તેમ કહ્યું હતું.

શહેરના ન્યુ સાયન્સ સીટી રોડ ઉપર આવેલા મધુબન પાર્ટી પ્લોટમાં મંડળી નામથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. રવિવાર હોવાના કારણે મોટી સંખ્યામાં લોકોએ પાસ ખરીદ્યા હતા. લોકો ગરબામાં નાના બાળકોને પણ લઈને આવતા હોવાથી તેમના પણ પાસ ખરીદ્યા હતા પરંતુ આયોજકોએ નાના બાળકોને પ્રવેશ નહીં જ આપવાનો નિર્ણય લીધો હતો. જોકે પાસ ખરીદેલા હોવા છતાં પણ નાના બાળકો સાથે પ્રવેશ આપવામાં ન આવતા હોબાળો કર્યો હતો. પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ત્રણેક દિવસ પહેલાં નાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ અચાનક જ પાછળથી હવે પ્રવેશ ન આપવામાં આવતા પણ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.