અમદાવાદ : રાજ્યભરમાં ગણેશોત્સવની ધુમ તૈયારીઓ ચાલી રહી છે. ભાવિકો શ્રીજીના આગમન માટે તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે. ગયા વર્ષે કોરોનાની મહામારીને પગલે અમદાવાદ સહિત મહાનગરોમાં ગણેશ મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી ન હતી. જ્યારે આ વર્ષે ચોક્કસ ગાઇડલાઇન્સના પાલન સાથે શ્રીજીની ભક્તિ માટે છૂટછાટ મળતા ગણેશભક્તોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ચૂક્યો છે. અમદાવાદમાં ચાલુ વર્ષે શ્રીજીની સ્થાપના કરવાના નિર્ણયને પગલે ડેકોરેશન અને પ્રતિમાઓ બનાવનારા બાદ હવે ફૂલના વ્યવસાય કરનારાઓને પણ ચાંદી થવા પામી છે. જમાલપુર ફુલ બજારમાં પણ ફુલોના વેચામમાં વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં સાર્વજનિક મંડળો દ્વારા મોટાપાયે ફૂલહાર અને ડેકોરેશન માટે ગુલાબોના અને વિવિધ ફૂલો સાથેના શણગાર ઓર્ડર આપવામાં આવતા આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના મહામારીના બીજા તબક્કાની અસર હવે ભૂતકાળ બની ચૂકી છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે કોરોના ની સાથે ગણેશોત્સવની પરવાનગી આપવામાં આવતા સાર્વજનિક મંડળોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં શ્રીજીની સ્થાપના કરીને 10 દિવસ સુધી ધામધૂમથી પૂજા-અર્ચના કરનારા સાર્વજનિક ગણેશ મંડળોની સંખ્યા ચાલુ વર્ષે 2000થી વધુ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગણેશોત્સવના પ્રારંભ સાથે જ મોટાભાગના મંડળ દ્વારા એક અઠવાડિયા પહેલા જ ફ્લાવર માર્કેટના વેપારીઓ ઓર્ડર આપી દેવામાં આવતો હોય છે. જોકે ચાલુ વર્ષે ગુલાબ અને ગલગોટા સહિતના ફૂલોની કિંમતમાં દોઢથી બે ગણો ભાવ વધારો હોવાના કારણે મંડળોના બજેટ સીધી અસર જોવા મળી રહી છે. શહેરના જમાલપુર ખાતે ફ્લાવર માર્કેટ ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનું કહેવું છે કે પહેલાં જે ગુલાબ 200 રૂપિયા કિલોની આસપાસ મળતા હતા તેનો ભાવ કિલોએ 300 રૂપિયા પહોંચી ચૂક્યાં છે. આ સિવાય ગલગોટા પણ પહેલા 100 થી એકસો વીસ રૂપિયા કિલોની આસપાસ મળતા હતા. તેમાં પણ સારાભાવ મળી રહ્યા છે. આમ, હવે ગણેશ ઉત્સવની સાથે સાથે અન્ય વેપાર ધંધામાં પણ તેજીના શ્રીગણેશ થયા છે.