અમદાવાદઃ ગુજરાત પણ હવે ડ્રગ્સ માફિયાઓ માટે પ્રવેશ દ્વાર સમાન બની રહ્યું છે. રાજ્યમાં 1600 કિમીના દરિયા કિનારો છે. અને બે મોટા બંદરો આવેલા છે. એટલે ડ્રગ્સ ઘૂંસાડવા માટે માફિયાઓને ગુજરાત અનુકૂળ પડી ગયું છે. જોકે પાલીસ સહિત વિવિધ એજન્સીઓની બાજ નજર હોવાથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાઈ રહ્યો છે. તાજેતરમાં કચ્છમાં જખૌના દરિયાકાંઠા નજીક ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમે વધુ એક ઓપરેશનમાં 280 કરોડની કિંમતનું 56 કિલો હેરોઈન પકડી પાડયુ હતું. આ ઓપરેશનમાં પાકિસ્તાનની બોટ અલ-હજમાં સવાર 9 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના ડ્રગ માફિયા મુસ્તુફા એ આ કન્સાઈન્મેન્ટ મોકલ્યુ હતં. દરમિયાન અમદાવાદમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઓઢવ નજીકથી પકડાયો છે. SOGની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી 30 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલા બંન્ને આરોપીઓ રાજસ્થાનના છે. અને તેમની પાસેથી 238.400 ગ્રામ જેટલો MD ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ ડૂંગરપુર રાજસ્થાન રહેવાસી મહેશ પાટીદાર અને લાલશંકર પાટીદાર ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જ અમદાવાદ આવ્યા હોવાની એસઓજીને બાતમી મળી હતી. એસઓજીએ વોચ રાખીને બન્ને શખસોને ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. પૈસાની લાલચે આ બન્ને શખસો ડ્રગ કેરિયર બનીને અમદાવાદ MD ડ્રગ્સ સપ્લાય કરવાના હોવાની બાતમી મળી હતી. તે દરમિયાન ચોક્કસ હકીકતના આધારે SOGની ટીમે બન્ને શખ્સોને સોનીની ચાલી નજીકથી ઝડપી પાડ્યા હતા. SOGની ટીમે પ્રાથમિક તપાસ કરતા આરોપીઓ જે કાર લઇને આવ્યા હતા તે કાર પણ માત્ર એમડી ડ્રગ્સ હેરાફેરી કરવા માટે જ ઉપયોગમાં લેવાઇ હતી.
શહેર એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી 238.400 ગ્રામ જેટલો MD ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે કબજે કરાયેલા MD ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત 23.84 લાખ રૂપિયા છે. પકડાયેલા બંને આરોપીઓ પહેલી વખત જ ગુનાખોરીમાં સંડોવાયેલા હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે. અગાઉ ડ્રગ્સ મહારાષ્ટ્રમાંથી ગુજરાત બોર્ડર પર ઘુસાડવામાં આવતું હતું ત્યારે રાજસ્થાનનો નવો રૂટ ડ્રગ્સની હેરાફેરી તરીકે શરૂ થયા હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ રાજસ્થાની બન્ને શખસો પણ પૈસાની લાલચમાં ડ્રગ્સ કેરિયર બની રહ્યા હોવાનું આ કેસમાં સામે આવતા ડ્રગ્સ ડિલર્સને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.