Site icon Revoi.in

અમદાવાદમાં ધો. 11 સાયન્સમાં ઊંચું જશે મેરિટ, પ્રતિષ્ઠિત સ્કૂલોમાં 94 ટકાએ અટકી શકે પ્રવેશ

Social Share

અમદાવાદ:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધા બાદ હવે 11મા ધોરણમાં સાયન્સમાં પ્રવેશ માટે અમદાવાદ શહેરમાં મારામારી સર્જાઈ શકે છે. ધોરણ 11 સાયન્સમાં આ વખતે મેરિટ 10 ટકા જેટલું ઊંચુ જશે તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. જ્યારે શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં તો પ્રવેશ માટે ભારે ધસારો જોવા મળશે. આ વખતે બોર્ડમાં 81 ટકાથી 100 ટકા વચ્ચે ગુણ લાવનારા વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો હોવાથી શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં વિજ્ઞાન પ્રવાહ માટે મેરિટ 94 ટકાની આસપાસ અટકી શકે છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 80 ટકા ગુણ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 6,828નો વધારો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓની નજર ધોરણ 11 સાયન્સના પ્રવેશ પર ચોંટેલી છે. 11મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશની મારામારી સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ વખતે A-1 ગ્રેડ અને A-2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. જેથી આ તમામ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ સાયન્સ હોવાથી અમદાવાદ શહેરમાં સાયન્સની સ્કૂલો અને તેમાં પણ પ્રતિષ્ઠિત સ્કૂલોમાં ભારે ધસારો થશે.  અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો, આ વખતે A-1 ગ્રેડમાં 1,158 અને A-2 ગ્રેડમાં 3,786 મળીને કુલ 4,944 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષે A-1 ગ્રેડમાં 104 અને A-2 ગ્રેડમાં 1,538 મળીને કુલ 1,642 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, બંને ગ્રેડના મળીને કુલ 3,302 વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે. આ વખતે આ બંને ગ્રેડમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યના કુલ 6,828 વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે.

અમદાવાદમાં 81 ટકાથી 100 ટકા વચ્ચે ગુણ ધરાવતા 6,828 વિદ્યાર્થીઓ વધુ પાસ થયા હોવાથી ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે ભારે ધસારો જોવા મળશે. ગત વર્ષે ધોરણ 11 સાયન્સમાં છેલ્લે પ્રવેશ 60 ટકાની આસપાસ અટક્યો હતો. જોકે, આ વખતે પ્રવેશ 70 ટકાએ અટકે તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ધોરણ 11 સાયન્સમાં પ્રતિષ્ઠિત સ્કૂલોમાં પણ ભારે ધસારો જોવા મળશે. ગત વર્ષે શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં 11મા સાયન્સમાં પ્રવેશ 90 ટકાની આસપાસ અટક્યો હતો. જોકે, આ વખતે 94 ટકા અટકી શકે છે.