Site icon Revoi.in

અમદાવાદમાં L J યુનિવર્સિટીએ ફી વધારો કરતા વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો

Social Share

અમદાવાદઃ  ફી રેગ્યુલેશન કમિટી ટેકનીકલ દ્વારા જુલાઈ મહિનામાં ખાનગી યુનિવર્સિટી અને કોલેજોમાં ફી વધારો કર્યો છે. આ ફી વધારામાં ગત વર્ષની પણ ફી વધારવામાં આવતા વિરોધથી રોષ જોવા મળ્યો છે. અમદાવાદની એલ.જે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા ફી વધારાનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે. આ વર્ષ ઉપરાંત ગત વર્ષના વધારાની ફી પણ લેવામાં આવતા એનએસયુઆઈ અને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ હતું. જેના ભાગ રૂપે વિદ્યાર્થી પાંખ એવી NSUI અને ABVP વિદ્યાર્થીઓએ ડાયરેક્ટરની ઓફિસની બહાર સીડીમાં બેસીને ફી વધારા મામલે વિરોધ કર્યો હતો. જેમાં ABVP વિદ્યાર્થી પાંખના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓ રામ ધૂન બોલાવી સૂત્રોચ્ચાર કરીને ફી વધારો પરત ખેંચવાની માગ કરી હતી.

એલ જે યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા ફી વધારાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુનિ. દ્વારા ગત વર્ષનો ફી વધારો માગવામાં આવી રહ્યો છે. કારણ કે વિદ્યાર્થીઓ ભણી ગયા બાદ ગત વર્ષની ફી વધારો આપવાની નોબત આવી છે. NSUI વિદ્યાર્થી પાંખ દ્વારા પણ કેમ્પસમાં રેલી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ એલ.જે. યુનિવર્સિટીના ડાયરેક્ટર મનીષ શાહની ઓફિસની બહાર સીડીમાં બેસીને હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. ફી વધારાનો કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ અને ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા સંયુક્તરીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

એલ જે કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કહેવા મુજબ ‘‘અમે જ્યારે એડમિશન લીધું ત્યારે અમને જણાવવામાં નહોતું આવ્યું કે તમારી ફી આ રીતે વધારવામાં આવશે. પરંતુ ત્રીજા સેમેસ્ટરમાં અચાનક જ ફી વધારો કરવામાં આવ્યો છે. જેમાં અગાઉના એક વર્ષની પણ ફી લેવામાં આવી રહી છે. તેથી અમારી માંગ છે કે, અમારી ફી ઓછી કરો, અમે આટલી ફી નહીં ભરીએ. 42 હજારથી 48 હજાર ફી હતી, જેમાં 10 હજારનો વધારો કરવામાં આવ્યો છે. અત્યારે 76 હજાર ફી લેવામાં આવે છે.