Site icon Revoi.in

અમદાવાદમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો લૂંટતા હોવાની ભાજપના નેતાએ જ કરી ફરિયાદ

Social Share

અમદાવાદઃ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે.  જેમાં પાર્કિંગની સમસ્યા પણ એટલી જ વિકટ છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દરેક વિસ્તારોમાં પાર્કિંગ માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા વાહનચાલકો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાની ખૂદ ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યએ જ ફરિયાદ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ટ્રાફિકજામ અને પાર્કિંગ સહિતની સમસ્યાઓ સામે ઝઝુમતા વાહનચાલકોને મ્યુનિ.ના પરવાનેદાર એવા પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો પણ લૂંટતા હોવાની ગંભીર ફરિયાદ સ્ટે.કમિટીમાં ભાજપના જ સભ્યે પુરાવા સાથે કરતાં એસ્ટેટ ખાતાની ઘોર બેદરકારી સામે આવી હતી. મ્યુનિ.ના સ્ટે.કમિટીના સભ્ય દર્શન શાહ કોઇ કારણસર લો-ગાર્ડન તરફ ગયા હતા અને ત્યાં તેમણે તેમનુ સ્કૂટર પાર્ક કર્યુ હતુ, તે સાથે જ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરનો માણસ ત્યાં દોડી આવ્યો હતો અને દસ રૂપિયાની સ્લીપ પકડાવી દીધી હતી. આ ઘટના પછી તેમણે લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં જઇને વાહન પાર્ક કરવા માટેના દરનું બોર્ડ જોયુ હતુ, જેમાં પ્રથમ કલાક માટે સ્કૂટર-બાઇકના 20 રૂપિયા તથા મોટરકાર માટે 50 રૂપિયા દર્શાવાયા હતા. આ જોઇ ચકરાયેલાં સભ્યે પે એન્ડ પાર્કના નિયમો તથા દરની માહિતી મેળવી હતી. તેમાં જે દર દર્શાવ્યા હતા તેનાથી ઉલટુ મ્યુનિ.ના લોગો સાથેના બોર્ડમાં વધુ ભાવ દર્શાવી વાહનચાલકોને ખંખેરવામાં આવતાં હોવાનું પૂરવાર થયુ હતું.

આ બાબતને ગંભીરતાથી લઇ ભાજપના સભ્ય દર્શન શાહે સ્ટે.કમિટીમાં પાર્કિંગ ફીની પહોંચ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમને અન્ય સભ્યોએ પણ સમર્થન આપ્યુ હતું. સ્ટે.કમિટી ચેરમેનની સૂચનાથી ભાજપના સભ્યે પાર્કિંગ ફીની પહોંચ પશ્ચિમ ઝોનના ડે.કમિશનર આઇ.કે. પટેલને આપી હતી, તે જોઇને ડે.કમિશનરે આની તપાસ કરાવી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની ખાતરી આપી હતી. સભ્યોએ તો શહેરમાં ક્યાંય પણ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો વાહનચાલકોને લૂંટતા હોય તેમને બ્લેકલિસ્ટ કરી તેમની ડિપોઝિટ જપ્ત કરવા તેમજ જે તે ઝોનના એસ્ટેટ ખાતાના કર્મચારીની જવાબદારી ફિક્સ કરવાની માંગણી કરી હતી. સ્ટે.કમિટીની બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે શહેરમાં 100 જગ્યા ફાળવવાની કાર્યવાહી કેટલે પહોંચી તે બાબતે પૃચ્છા કરવામાં આવતાં એસ્ટેટ અધિકારીએ જુદા જુદા વિસ્તારમાં 58 જેટલી જગ્યા નક્કી કરી દેવાઇ છે અને ચાર્જિંગ સ્ટેશનને વીજપૂરવઠો પૂરો પાડવા અંગે વીજકંપની સાથે વાતચીત ચાલી રહી હોવાનો ખુલાસો કર્યો હતો.