અમદાવાદમાં બીયુ પરમિશન વિના ચાલતી શાળાના સંચાલકોનો શિક્ષણ વિભાગે માંગ્યો ખૂલાશો
અમદાવાદ: શહેરમાં અનેક શાળાઓ બીયુ ( બિલ્ડિંગ યુઝ) પરમિશન વિના ધમધમે છે. બીયુ પરમિશન ન હોવાથી શાળાઓને ફાયરની એનઓસી પણ મળી શક્તી નથી. શહેરમાં ગત મે -જૂન મહિનામાં બીયુની બબાલનો વિવાદ થયો હતો જે ફરી સપાટી પર આવ્યો છે. બીયુ પરમીશનના અભાવે શહેરમાં સીલ થયેલી શાળાઓ ફરી શરૂ થઈ જતા આ વિવાદ સામે આવ્યો છે. પરંતુ આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહિ પણ શિક્ષણવિભાગ એકશનમાં છે.
અમદાવાદ શહેરની 40 શાળાના સંચાલકોને શિક્ષણ વિભાગે શો કોઝ નોટિસ ફટકારી છે. જેનો જવાબ નહિ આપનાર શાળા સામે કાર્યવાહી કરવાના આદેશ પણ આપવમાં આવ્યા છે. અમદાવાદ રાણીપ, ઘટલોડિયા ચંદલોડિયા અને નારણપુરા સહિતની શહેરની 40 શાળાના સંચાલકોએ સીલ થેયલી શાળાના સીલ તોડી શાળા શરૂ કરી દેવામાં આવી છે. જેની શિક્ષણ વિભાગે ગંભીરતાથી નોંધ લીધી છે. જે બાદ શાળાના સંચાલકોને આ મામલે ખુલાસો કરવા જણાવાયું છે.
આ ખુલાસામાં સંચાલકે શાળામાં શિક્ષણ કામ ચાલુ છે કે કેમ, શાળાને બીયુ પરમીશન મળ્યું છે કે કેમ અને કોર્પોરેશન તરફથી શાળાના સીલ ખોલવામાં આવ્યા છે કે કેમ જેવા સવાલો સાથે ખુલાસો માંગવામાં આવ્યો છે. આ મામલે નિયત કરેલા સમયમાં શાળાઓ ખુલાસો નહિ આપી શકે તો તે શાળાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગની આ કાર્યવાહીથી શાળાના સંચાલકોમાં ફરી ફફડાટ ફેલાયો છે. કારણ કે, જે તે સંચાલકોએ કોર્પોરેશનની મંજૂરી વિના જ શાળાઓના સીલ ખોલી નાખ્યા છે.