Site icon Revoi.in

અમદાવાદમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ 45.92 લાખ લોકો લેતા 99.31 ટકા સફળતા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. ગુરૂવારે રાજ્યમાં માત્ર 34 કેસ નોંધાયા હતા. બીજીબાજુ સરકારે વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે ઝૂંબેસ આદરી છે. અમદાવાદના સ્લમ વિસ્તારમાં તો વેક્સિન લેનારાને પ્રોત્સાહક ઈનામો પણ આપવામાં આવી રહ્યા છે. શહેરમાં અંદાજીત વેક્સિનેશન માટે યોગ્ય 46.24 લાખ નાગરિકો પૈકી 45.92 લાખ  લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે, એટલે કે શહેરમાં હવે 31,825 જેટલા જ નાગરિકોને જ પહેલો ડોઝ લેવામાં બાકી રહ્યા છે. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પ્રમાણે દેશમાં વેક્સિન લેનારની સંખ્યા 67 ટકા જેટલી છે, ત્યારે શહેરમાં વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 99.31 ટકાએ પહોંચી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂ6ના જણાવ્યા મુજબ તમામ નાગરિકો વેક્સિનના બંને ડોઝ લઇને સુરક્ષિત થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલના આંકડા મુજબ શહેરમાં 51.35 ટકા નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. શહેરમાં વેક્સિન લેનારામાં 2 લાખ હેલ્થકેર વર્કર, 3.43 લાખ ફ્રન્ટ લાઇન વર્કર, 18 થી 44 વર્ષના 38.96 લાખ નાગરિકો, 45થી 60 વર્ષના 15.52 લાખ નાગરિકો અને 60 વર્ષથી વધુ ઉંમરના 9.55 લાખ જેટલા નાગરિકો કોરોનાની રસી મેળવી ચૂક્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ. દ્વારા ઘર સેવા યોજના હેઠળ 1335 લોકોને ઘરે જઇને વેક્સિન આપી છે. જેમાં પશ્ચિમઝોનમાં 507 લોકો, દક્ષિણઝોન, ઉ.પશ્ચિમઝોનમાં 193 જેટલા નાગરિકો, દ.પશ્ચિમઝોનમાં 196 નાગરિકો, પૂર્વઝોનમાં 87, ઉત્તરઝોનમાં 84 અને મધ્યઝોનમાં 75 નાગરિકોએ ઘર સેવા વેક્સિનનો લાભ મેળવ્યો હતો   10મી ઓક્ટોબરે વેક્સિન લેનારા 25 નાગરિકોને લકી ડ્રો મારફતે રૂ.10 હજારની કિંમતનો મોબાઇલ ફોન આપવાની જાહેરાત બાદ લકી ડ્રો યોજવામાં આવ્યો હતો. વિજેતાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ મારફતે મોબાઇલ ફોન ગિફ્ટનું વિતરણ કર્યું હતું. રાજ્યના ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓને વેક્સિન માટે ખાસ અભિયાન શરૂ કરાયું છે.આ માટે તમામ અધિકારીઓએ પોતાના તાબામાં આવતી સ્કૂલોનો ડેટા એક લિંક દ્વારા દર ગુરુવારે અપડેટ કરાશે. ગુજરાતમાં હાલ 97.55 ટકા શૈક્ષણિક સ્ટાફ વેક્સિનેટેડ છે.