અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા રહેતી હોય છે, તે કેટલાક વિસ્તારમાં પુરા ફોર્સથી પાણી આવતું ન હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. તેમજ મ્યુનિ.માં નવા સમાવેશ થયેલા વિસ્તારોમાં પણ પાણીના સમસ્યા હતી.આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડાના ખર્ચે 18 જેટલા ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવ્યા છે. જેના કારણે નાગરિકોને પૂરતા પ્રમાણમાં તેમજ પ્રેશરથી પાણી મળી રહેશે. શીલજ, બોપલ, હાથીજણ, રાજપથ કલબ એસ.પી રિંગ રોડ, નારોલ, ગોદરેજ ગાર્ડન સિટી સહિતના વિસ્તારોના મળી આશરે કુલ 11.76 લાખ જેટલા લોકોને લાભ થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં અલગ અલગ ત્રણ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાંથી નર્મદાનું પાણી લોકોને સપ્લાય કરવામાં આવે છે. રોજનું અંદાજે 1200થી 1500 એમએલડી જેટલું પાણી શહેરીજનોને પહોંચાડવામાં આવે છે, પરંતુ જેમ જેમ શહેરમાં વસ્તી અને વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે તેમ પાણીની જરૂરિયાત પણ વધી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર અને નવી પાણીની લાઈનો નાખી અને લોકોને પાણી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના ભાજપના સત્તાધીશો અને વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરના નવા ભળેલાં અને વિવિધ વિસ્તારોમાં જ્યાં પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું એવા વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.
સૂત્રોએ વધુમાં જણાન્યું હતું કે, શહેરમાં કુલ 18 જગ્યાએ નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો બનાવવામાં આવ્યા છે. પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો બનાવવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોની 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ભાઈપુરા વોર્ડમાં આવેલા ધીરજ હાઉસિંગ પાસેનું નવું વોટર ચાલુ કરી દેવામાં આવ્યું છે. બાકીના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છ મહિનામાં શરૂ કરી દેવામાં આવશે. જ્યારે બેથી ત્રણ જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોમાં એકાદ વર્ષ જેટલો સમય લાગી શકે છે પરંતુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર દ્વારા આગામી ઉનાળા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેન્ટર શરૂ કરી દેવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.
એએમસીના વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં શહેરમાં વસ્તી અને વિસ્તારનો વધારો થઈ રહ્યો છે તેમ લોકોને પાણી પૂરું પાડવા માટે થઈ અને નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં 18 જેટલા નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવામાં રહ્યાં છે. જેમ જેમ નવા વિસ્તારો બની રહ્યા છે તેમ પાણીની જરૂરિયાત લોકોને પૂરી પાડવામાં આવે તેના માટે થઈને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.