અમદાવાદઃ શહેરમાં વિવિધ ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ઘણા ગુના ઉકેલવામાં મોબાઈલ ફોનની કોલ ડિટેલ ઘણી ઉપયોગી બનતી હોય છે. અમદાવાદ શહેર પોલીસ ગુનાઓની તપાસ માટે રોજ 400થી 500 મોબાઇલ ફોન નંબરના સીડીઆર (કોલ ડિટેલ રેકોર્ડ) મગાવે છે. જોકે આ સીડીઆર મગાવવા માટે ડીસીપીની સહીવાળો લેટર જરૂરી હોવાથી તે લેટરના આધારે જ કંપનીમાંથી સીડીઆર મળે છે.રોજેરોજ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાંથી આવતા લેટરના આધારે શહેર પોલીસ મહિને 15થી 25 હજાર ફોન નંબરના સીડીઆર કંપનીઓ પાસેથી મગાવતી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં બનતા ગુનાઓમાં આરોપીની હાજરી પુરવાર કરવા અને કેટલાક કિસ્સામાં આરોપીની કડી મેળવવા સીડીઆર જરૂરી છે. જોકે પોલીસ દ્વારા સીડીઆરનો દુરુપયોગ કરાયો હોવાના સંખ્યાબંધ કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. આથી રાજ્ય સરકારે સીડીઆર મેળવવા નોડલ ઓફિસર તરીકે ડીસીપની નિમણૂક કરી છે, જેથી કોઈ પણ પોલીસ સ્ટેશનના પીઆઈને ગુનાના કામે કોઈ પણ વ્યક્તિના સીડીઆરની જરૂર પડે, તો તે માટે પીઆઈએ ડીસીપીને લેટર મોકલવો પડે છે. ત્યારબાદ લેટર ડીસીપી ઓફિસમાં ઈન વર્ડ કરાય છે અને ત્યારબાદ ડીસીપીની સહીથી જે તે કંપની પાસેથી મોબાઇલ ધારકનો સીડીઆર મગાવાય છે. આ અંગે કેટલાક અધિકારીઓને પૂછતા તેમણે કહ્યું હતું કે, ગુનાના કામે રોજે રોજ સીડીઆર મગાવવામાં આવતા હોય છે. જ્યારે જે પોલીસ સ્ટેશનોમાં ગુનાખોરીનું પ્રમાણ ઓછું હોય ત્યાં સીડીઆરની ઓછી જરૂર પડે છે, પરંતુ એક અંદાજ મુજબ અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનો, ક્રાઇમ બ્રાંચ તેમ જ સાઇબર ક્રાઇમમાંથી 500 જેટલા નંબરના સીડીઆર મગાવવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં 2 દિવસમાં કંપની દ્વારા પોલીસને સીડીઆર મોકલી દેવામાં આવે છે, પરંતુ અપહરણ, લૂંટ જેવી ગંભીર ઘટનામાં પોલીસને તાત્કાલિક સીડીઆરની જરૂર પડતી હોવાથી કંપની દ્વારા 3થી 4 કલાકમાં સીડીઆર મોકલી દેવામાં આવતો હોય છે.