Site icon Revoi.in

અમદાવાદમાં પોલીસે કાંકરિયા લેકમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવાનો કર્યો આદેશ

Social Share

અમદાવાદઃ શહેરના કાંકરિયા લેક પર ઉનાળાના વેકેશનને કારણે શહેરીજનો મોટીસંખ્યામાં ફરવા માટે આવતા હોય છે. જેમાં ઘણા લોકો બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લેતા હોય છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકમાં બોટિંગ અને સ્પોર્ટસ એક્ટિવિટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. પરંતુ કોન્ટ્રાક્ટ દ્વારા નવો એગ્રીમેન્ટ પોલીસ વિભાગમાં જમા કરાવવામાં આવ્યો નથી. તેથી બોટિંગ અને વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટી બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કાંકરિયા તળાવમાં ચાલતી બોટિંગની પ્રવૃત્તિને બંધ કરવામાં આવી છે. વડોદરાના હરણી તળાવ દુર્ઘટના બાદ વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. દરમિયાન શહેર પોલીસ દ્વારા શહેરના કાંકરિયા અને રિવરફ્રન્ટ ખાતે ચાલતી બોટિંગ પ્રવૃત્તિમાં નવી સેફ્ટીની શરતો અને જોગવાઈ સાથે કરાર કરવા અંગે સુચના આપવામાં આવી હતી. છતાં પણ કાંકરિયા લેકના બોટિંગ અને વોટર સ્પોર્ટ એક્ટિવિટીના કોન્ટ્રાક્ટરે નવો કરાર પોલીસમાં જમા કરાવ્યો નહોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવમાં ખોડલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી વોટર સ્પોટ્સ એક્ટિવિટી અને બોટિંગ બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જે બોટિંગ પ્રવૃત્તિ ચાલી રહી છે તેને પણ બંધ કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતુ. કે, શહેર પોલીસ દ્વારા કાંકરિયા લેકમાં બોટિંગ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીના કોન્ટ્રાક્ટરને  22 એપ્રિલ પહેલા  નવો એગ્રીમેન્ટ જમા કરાવવા માટે સુચના આપવામાં આવી હતી. પરંતુ હજુ નવો કરાર જમા કરાવવામાં આવ્યો નથી. હવે કાંકરિયા તળાવમાં જ્યાં સુધી સેફ્ટીને લઈ નવી શરતો અને જોગવાઈઓ મુજબ કરાર કરવામાં નહીં આવે ત્યાં સુધી બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ રહેશે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કાંકરિયા લેકમાં બોટિંગ પ્રવૃત્તિ માટે મંજૂરી આપનારા સક્ષમ સત્તાધિકારીએ બોટિંગ પ્રવૃત્તિઓનું નિયમિતપણે મોનિટરિંગ અને સુપરવિઝન કરવાનું રહેશે. આ મોનિટરિંગ અને સુપરવિઝનમાં જીવન સુરક્ષાના ધોરણો જળવાય તે બાબત સુનિશ્વિત કરવાની રહેશે. જો કોઈ બોટિંગ પ્રવૃત્તિઓમાં જીવન સુરક્ષા જોખમાય તેવી બાબતો ધ્યાનમાં આવશે તો તાત્કાલિક ધોરણે તે બોટિંગ પ્રવૃત્તિઓ બંધ કરવાની રહેશે. તેમજ બોટિંગ પ્રવૃત્તિ દરમિયાન નિષ્કાળજીના લીધે કોઈ દુર્ઘટના થાય તો તે માટેની જવાબદારી સંબંધિત મોનિટરિંગ તથા સુપરવિઝન અધિકારીની રહેશે.