Site icon Revoi.in

અમદાવાદના મકરબા વિસ્તારમાં મ્યુનિ.ના કરોડોની કિંમતના રિઝર્વ પ્લોટ પરના દબાણો દુર કરાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિની માલીકીના પ્લોટ પર દેખરેખના અભાવે ગેરકાયદે દબાણો થઈ જતા  હોય છે. ત્યારે શહેરના મકરબા વિસ્તારમાં આવેલો મ્યુનિ.ની માલીકીના કરોડો રૂપિયાના કિંમતી પ્લોટ પર પણ દબાણો કરાયા હતા. આથી મ્યુનિ. કોર્પોરેશનના દ્વારા રિઝર્વ પ્લોટ પરના ગેરકાયદે બાંધકામો દૂર કરાયા હતા. કહેવાય છે. કે,  સેલ ફોર કોમર્શિયલ માટે જાહેર કરાયેલા આ પ્લોટ પર દબાણો થઈ ગયા હતા, જેથી એસ્ટેટ વિભાગની ટીમે 9 હજાર ચો.મી.ના બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આમ, કોર્પોરેશને રૂ. 75 કરોડની કિંમતના પ્લોટનું પઝેશન મેળવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવેલા ઈલેક્શન વોર્ડ સરખેજમાં પ્રારંભિક નગર રચના નંબર-90 એટલે કે સરખેજ-મકરબા- ઓકાફ- ફતેહવાડીમાં કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ આવેલો છે.  રિઝર્વેશન ફાઈનલ પ્લોટ નં-41 સેલ ફોર કોમર્શિયલ માટે જાહેર કરવામાં આવેલો છે. આ પ્લોટમાં ગેરકાયદે બાંધકામો થઈ જતાં કોર્પોરેશન દ્વારા ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટની કલમ અનુસાર નોટિસો ફટકારી બાંધકામ દૂર કરવા માટે જણાવ્યું હતું. પરંતુ બાંધકામો દૂર કરવામાં આવ્યા ન હતા.  દરમિયાન એસ્ટેટ વિભાગ દ્વારા સરખેજ પોલીસ પાસે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી માટે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. જેથી સરખેજ પોલીસે બંદોબસ્ત ફાળવતા એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના માટે એસ્ટેટ ખાતાના સ્ટાફ ઉપરાંત 2 દબાણ ગાડી, 3 જેસીબી મશીન, 18 મજૂરો તથા 1 ગેસ કટરની મદદથી 5 કોમર્શિયલ પ્રકારના 9 હજાર ચો. ફૂટના બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સેલ ફોર કોમર્શિયલ હેતુની 6045 ચો.મી. રિઝર્વેશન પ્લોટનું પઝેશન કોર્પોરેશને મેળવ્યું હતું. જેની અંદાજે કિંમત રૂ. 75 કરોડ જેટલી થવા જાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ બિન પરવાનગીથી બનેલા બાંધકામો તથા ટીપી રસ્તા અને ફૂટપાથ પરના દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાર્કિંગ અને રિઝર્વ પ્લોટમાં થયેલા દબાણો હટાવવા માટે પણ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. એસ્ટેટ વિભાગની ટીમની કામગીરીને લઈને વિસ્તારમાં આવેલા ગેરકાયદે બાંધકામો કરનારામાં ફફડાટ ફેલાઈ ગયો હતો.