અમદાવાદઃ રાજ્યમાં વધતા જતાં તાપમાનને લીધે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો જાય છે. તેના લીધે આવક ઘટતા શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગરમીને લીધે લીંબુ, ફુદીનો અને લીલા નાળિયેરની માગ સતત વધી રહી છે, જ્યારે આવક ઘટી હોવાથી તેના ભાવમાં પણ વધારો થયો છે.છૂટક માર્કેટમાં સારી ક્વોલીટીના લીંબુનો ભાવ કિલોના 200 રૂપિયા બોલાયો છે.
ગુજરાતમાં અસહ્ય ગરમીનાના કારણે લીંબુની માંગ સૌથી વધારે છે. જેને કારણે હાલ અમદાવાદ એપીએમસીમાં લીંબુનો હોલસેલ ભાવ પણ 100 રૂપિયા કિલો કરતા પણ વધી ગયો છે. જેથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં લીંબુનો રીટેલ ભાવ 180 થી 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સારી ક્વાલિટીના લીંબુ હાલ 200 રૂપિયે કિલોમાં વેચાઈ રહ્યાં છે. ગરમીમાં તબીબો લીંબું પાણી, છાશ અને નાળિયેર પીવાનું કહી રહ્યા છે. તેવામાં એક લીંબુ રૂ.15 થી 20 માં પડી રહ્યુ છે. લીંબુ પાણીનો ગ્લાસ પહેલા રૂ.15માં મળતો હતો તે અત્યારે રૂ.20માં મળી રહ્યો છે. છાશ એક ગ્લાસ રૂ.10 મળતી હતી તે હાલમાં રૂ.15 અને નાળિયેર પાણી રૂ.40 મળતુ હતુ તે રૂ.60 થી 70માં મળી રહ્યું છે. એમાંય પાણીવાળા અને મલાઈ વાળા નાળિયેર એમ બે પ્રકારના નાળિયેર આવતા હોય વેપારી અલગ અલગ ભાવો લેવાનું ચાલુ કર્યુ છે. આમ મોંઘવારીના લીધે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. એમાં ખાંડના ભાવમાં કિલોએ રૂ.2 નો વધારો થયો છે એટલે કે, રૂ.40 કિલો મળતી ખાંડ હાલમાં રૂ.42 કિલો મળી રહી છે.
અમદાવાદના એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવની વાત કરીએ તો, આદુ 105 રૂપિયા પ્રતિ કિલો, ચોળી 85 રૂપિયા પ્રતિ કિલો, સૂકુ લસણ 200 રૂપિયા પ્રતિ કિલો, વાલોર 65 રૂપિયા પ્રતિ કિલો, તુવેર 95 રૂપિયા પ્રતિ કિલો, વટાણા 85 રૂપિયા પ્રતિ કિલો, ગવાર 40 રૂપિયા પ્રતિ કિલો, રતાળુ 70 રૂપિયા પ્રતિ કિલો અને સુરણનો 65 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે. આ સિવાય બટાકા 20 રૂપિયા પ્રતિ કિલો, ડુંગળી 21 રૂપિયા પ્રતિ કિલો, રીંગણ 15 રૂપિયા પ્રતિ કિલો, કોબીજ 10 રૂપિયા પ્રતિ કિલો, ફૂલાવર 37.5 રૂપિયા પ્રતિ કિલો, ટામેટા 20 રૂપિયા પ્રતિ કિલો, કોથમીર 17.5 રૂપિયા પ્રતિ કિલો, ફૂદીનો 20 રૂપિયા પ્રતિ કિલો, મરચા 23 રૂપિયા પ્રતિ કિલો, દૂધી 22.5 રૂપિયા પ્રતિ કિલો, ગાજર 22.5 રૂપિયા,ભીંડા 40 રૂપિયા પ્રતિ કિલો, કાકડી 40 રૂપિયા પ્રતિ કિલો, કારેલા 45 રૂપિયા, મેથી 40 રૂપિયા પ્રતિ કિલો, સરગવો 35 રૂપિયા પ્રતિ કિલો, પરવર 50 રૂપિયા પ્રતિ કિલો, ગિલોડા 60 રૂપિયા પ્રતિ કિલો, તુરિયા 40 રૂપિયા પ્રતિ કિલો, ગલકા 15 રૂપિયા પ્રતિ કિલો, બીટ 15 રૂપિયા પ્રતિ કિલો અને રવૈયાનો 35 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે.