અમદાવાદઃ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા ખાતે સ્લમ રી-ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત મકાનો તોડવા માટે સ્થાનિક રહિશોએ આજે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં રહિશોએ ભેગા મળી રામાપીરનો ટેકરો તોડવા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. કલેકટરને આવેદનપત્ર આપી તેઓએ રજૂઆત કરી હતી કે, અમારા રામપીરના ટેકરા વિસ્તારના મકાનોને તોડવામાં ન જોઈએ.
શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા તરીકે ઓળખાતા વિસ્તારમાં અનેક ગરીબ પરિવારો કાચા મકાનો અને ઝૂંપડા બાંધીને વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. આ જગ્યા પર સ્લમ રિ-ડેવલપમેન્ટ સ્કીમ માટે વસાહતને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક રહિશોના કહેવા મુજબ શહેરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા રામાપીરનો ટેકરો તોડવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે તે તાત્કાલિક રદ કરવામાં આવે અને સ્થાનિકોનો સાચો સર્વે કરવામાં આવે. રામાપીરના ટેકરા પર 15 હજારથી વધુ પરિવારો રહે છે અને જો સત્તાના જોરે અને બિલ્ડરોના ફાયદા માટે આ રીતે મકાનો તોડવામાં આવશે તો રહિશોને આત્મવિલોપન કરવું પડશે. રામાપીરનો ટેકરો તોડવા મુદ્દે જે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થાય છે તે રોકવામાં આવે એવી માંગ છે. વર્ષ 2016થી આ રામાપીરના ટેકરાનો આ વિવાદ ચાલે છે. 3,700થી વધુ વાંધા અરજીઓ થઈ છે. છતાં પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ એસ્ટેટ વિભાગનો દુરુપયોગ કરી અને રામાપીરના ટેકરાના મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્લમ ક્લિયરન્સના નામે રામાપીરનો ટેકરો તોડવાને લઈ રહિશોનો ઉગ્ર વિરોધ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક રહિશોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે, છેલ્લા 50 વર્ષથી હજારો પરિવારો રામાપીરના ટેકરા પર રહે છે. સ્લમ એરીયા એક્ટ મુજબ જે પણ લોકોને નોટિસ આપવામાં આવી હતી તેમાં 3700થી વધારે વાંધા અરજીઓ સ્થાનિક લોકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેનો કોઈપણ પ્રકારનો જવાબ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા આપવામાં આવ્યો નથી. પોલીસ અને એસ્ટેટ વિભાગનો દુરુપયોગ બિલ્ડરો દ્વારા કરી અને હજારો મકાનો પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક રહીશો દ્વારા જે પણ અસંમતિપત્રો રજૂ કરવામાં આવ્યા છે, તેને ધ્યાને લેવામાં આવ્યા નથી અને બિલ્ડરો દ્વારા ધાક ધમકી આપી અને મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.