અમદાવાદમાં કરોડો રૂપિયાના બાકી પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે સીલિંગ ઝૂંબેશ ઉગ્ર બનાવાશે
અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનને આવકનો મુખ્યસ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. ઘણાબધા પ્રોપર્ટી ટેક્સધારકો વેરો ભરવામાં આળસ દાખવતા હોય છે. મ્યુનિ.ને કરોડો રૂપિયા વેરાપેટે બાકી નિકળે છે. આથી હવે વેરા વસુલાત ઝૂંબેશ વધુ કડક બનાવાશે. આગામી દિવસોમાં બાકીદારોની કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની ઝુંબેશ ઉગ્ર બનાવવાનો નિર્ણય મ્યુનિ.દ્વારા લેવાયો છે. દરમિયાનમાં પશ્ચિમ ઝોનના પોશ ગણાતા વિસ્તારોમાં 99 મિલ્કતોને સીલ મારી દેવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગને બાકી વસુલાતનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે ટેક્સ ખાતા દ્વારા એડવાન્સ ટેક્સ રિબેટ, વ્યાજમાફી અને વર્ષાંતે સીલિંગ ઝુંબેશ જેવા પગલા લેવામાં આવતા હોય છે. ચાલુ નાણાંકીય વર્ષ પૂરૂ થવા આવ્યુ છે અને નવા નાણાંકીય વર્ષનુ બજેટ રજૂ થઇ ચૂક્યુ છે ત્યારે ચાલુ નાણાંકીય વર્ષના આવકના લક્ષ્યાંક હાંસલ કરવા માટે મ્યુનિ.કમિશનર એમ. થેન્નારસનના આદેશ બાદ ટેક્સ ખાતાએ વ્યાજમાફી યોજના સાથે બાકી ટેક્સ નહીં ભરનારાની મિલકતને સીલ મારવાની ઝુંબેશ આદરી છે. જોકે હજુ તેમાં એટલી ઉગ્રતા આવી નથી. પરંતુ ગત વર્ષે પ્રોપર્ટી ટેક્સની જ 1227 કરોડ જેટલી આવક સામે ચાલુ વર્ષે 9મી ફેબ્રુઆરી સુધી 974 કરોડ જેટલી આવક થઇ છે તે જોતાં આગામી દિવસોમાં કડક ઉઘરાણી કરવી પડશે તે નિશ્ચિત છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ. ટેક્સ ખાતામાં ફક્ત પ્રોફેશન ટેક્સની આવકનો લક્ષ્યાંક હાંસલ થઇ શકે તેવી સ્થિતિ છે. ચાલુ વર્ષે 176 કરોડ આવક થઇ ચૂકી છે. વ્હિકલ ટેક્સની આવક 161 કરોડ થઇ છે. તેથી હવે ટેક્સ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓને 1200થી 1300 કરોડ જેટલી આવક લાવવા આગામી દિવસોમાં ભારે મહેનત કરવી પડશે. બાકીદારોની મિલ્કતોને સીલ મારવા માટે અને ટેક્સ વસૂલાત માટે જહેમત ઉઠાવવી પડશે. ગઈકાલે ગુરૂવારે પણ સીજી રોડ, આશ્રમરોડ, નવરંગપુરા, નારાયણનગર રોડ, ગુપ્તાનગર, ન્યૂ રાણીપ અને રાણીપ સહિતના વિસ્તારોમાં 99 જેટલી ઓફિસ, દુકાન જેવી કોમર્શિયલ મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા હતા.