Site icon Revoi.in

અમદાવાદમાં શીખ સમાજે ખાલિસ્તાનીઓનો વિરોધ કરીને પગલાં લેવા કલેક્ટરનો આપ્યું આવેદનપત્ર

Social Share

અમદાવાદઃ પંજાબમાં ખાલિસ્તાનવાદીઓએ ફરી માથુ ઉંચક્યું છે. વિદેશમાં પણ ખાલિસ્તાની સમર્થકો દોખાવો કરી રહ્યા છે, ત્યારે ગુજરાત અને અમદાવાદમાં વર્ષોથી વસવાટ કરતા શીખ પરિવારોએ ખાલિસ્તાનીઓનો વિરોધ કર્યો છે. શીખ સમાજે દેશ પ્રત્યેની પોતાની એકતા અને અખંડિતતા દર્શાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર થતા ખાલિસ્તાની વિરોધ સામે અવાજ ઉઠાવ્યો છે.  આજે શીખ સમાજે ખાલિસ્તાનીઓ સામે કડક પગલાં લેવાની માગ સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અમદાવાદમાં આજે  શીખ સમુદાયે ખાલિસ્તાનીઓ સામે  નારા સાથે તિરંગો દર્શાવીને  વિરોધ કર્યો હતો.આ અંગે શીખ ફાઉન્ડેશનના પ્રમુખ પરમજિત કૌર છાબડાએ જણાવ્યું હતું કે ધર્મ હંમેશાં રાષ્ટ્ર નિર્માણ માટે અગ્રેસર રહ્યો છે અને દેશના નાગરિકો તેમજ ભારતીય હોવાનો અમને ગર્વ છે. કેનેડા ઓસ્ટ્રેલિયા અને વિશ્વ કે અન્ય દેશોમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે એની ઘોર નિંદા શીખ સમાજ કરી રહ્યો છે. વિશ્વના અન્ય દેશો કે ધાર્મિક સ્થાનો, દીવાલો પર અસામાજિક તત્ત્વોએ ખલિસ્તાનનું નામ લખ્યું અને નારા લગાવ્યા, જેની નિંદા શીખ સમાજ કરી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વ કે અન્ય દેશોમાં ભારતીય તિરંગાનું જે અપમાન થયું છે એની નિંદા શીખ સમાજ કરી રહ્યો છે. શીખ સમાજ માટે ભારત દેશનો તિરંગો સર્વોપરી છે. આજે અમદાવાદના શીખ સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યપાલને પણ આવેદનપત્ર આપવામાં આવશે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં જ્યાં શીખ સમાજ વસે છે તે લોકો પણ આવેદનપત્ર આપીને ખાલિસ્તાનનો વિરોધ કરશે.