Site icon Revoi.in

અમદાવાદમાં બીજા દિવસે પણ રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ તબીબો સ્ટાઈપેન્ડ વધારવાની માગણી સાથે સોમવારથી હડતાળ પર ઉતર્યા છે, અમદાવાદમાં પણ આજે બીજે દિવસે પણ રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત રહી હતી. તબીબોની હડતાળને લીધે દર્દીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. દરમિયાન સરકારે હડતાળિયા તબીબો સામે લાલ આંખ કરી છે. અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે સરકારના કડક વલણને કારણે હડતાળિયા તબીબો ઢીલા પડ્યા છે, અને સ્ટાઈપેન્ડમાં 40 ટકા વધારાની માગ હતી, એમાં ઘટાડો કરીને હવે 30 ટકા વધારાની માગ કરી રહ્યા છે. જો કે સરકારે અગાઉ 20 ટકા સ્ટાઈપેન્ડમાં વધારો કરી દીધો છે. એટલે માત્ર 10 ટકા માટે મામલો ગુંચવાયો છે.

રાજ્ય આરોગ્ય વિભાગે રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં અગાઉ 20 ટકાનો વધારો કર્યો છે. જ્યારે 40 ટકા વધારો કરવાની માંગ સાથે રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળને લીધે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલાકી વધી છે. આ દરમિયાન આરોગ્ય વિભાગે હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરોને અલ્ટીમેટમ આપ્યું હતું કે, આજે સવારે નવ વાગ્યા સુધીમાં ફરજ પર થાઓ નહીંતર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આજે હડતાલના બીજા દિવસે પણ ડોક્ટરોએ એકઠા થવાનું શરૂ કર્યું છે. જો કે, આજે રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડમાં 30 ટકાનો જ વધારની માંગ કરી રહ્યા છે.

અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને પગલે સિવિલ હોસ્પિટલમાં અન્ય સરકારી હોસ્પિટલોમાંથી ડોક્ટરોને બોલાવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ છે, જેથી દર્દીઓને હાલાકી ન પડે. રેસિડેન્ટ તબીબો દ્વારા ગઈકાલે સ્ટાઈપેન્ડમાં 40 ટકા વધારાની માંગ કરવામાં આવી હતી, પરંતુ આજે 40 ટકાની જગ્યાએ 30 ટકાની માંગ કરવામાં આવી છે. એટલે કે, હવે બાકી રહેલો 10 ટકા વધારો માંગીને હડતાલ શરૂ કરવામાં આવી છે. જો કે, ડોક્ટરોની આ જીદ સામે સરકાર પણ ઝૂકવા તૈયાર નથી. રેસિડેન્ટ ડોક્ટરો સાથે વાટાઘાટો કરવાનું પણ ટાળવામાં આવી હતી. બી.જે મેડિકલ કેમ્પસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજે મેડિકલ કોલેજમાં 1 એસીપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ, 100થી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગનું કહેવુ છે કે, દર ત્રણ વર્ષે 40 ટકા સ્ટાઇપેન્ડ વધારો કરવાનો સરકારી ઠરાવ જ નથી. આ ઉપરાંત કરાર આધારિત પ્રોફેસરોનો પગાર રૂ.95 હજાર છે. જ્યારે રેસિડેન્ટ ડોક્ટરોનુ સ્ટાઇપેન્ડ રૂ.1.30 લાખ છે. સરકાર કોઇપણ ભોગે સ્ટાઇપેન્ડમાં વધારો કરવા તૈયાર નથી કેમકે, 20 ટકા સ્ટાઇપેન્ડ વધારો કરતાં જ સરકારી તિજોરી પર 122 કરોડ રૂપિયાનુ ભારણ આવ્યુ છે.