Site icon Revoi.in

અમદાવાદમાં રોંગ સાઈડમાં ચલાવાતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ FRI નોંધી પાઠ ભણાવશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા વાહનચાલકો રોંગ સાઈડમાં પોતાના વાહનો ચલાવીને ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરતા જોવા મળે છે. રોંગ સાઈડમાં વાહનો ચલાવવાને લીધે ઘણીવાર અકસ્માતોના બનાવો પણ બનતા હોય છે. ત્યારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી 10 દિવસ રોંગ સાઈડ ચાલતાં વાહનો માટે ડ્રાઈવ યોજવામાં આવશે.. જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકોને દંડવામાં નહીં આવે. પરંતુ વાહનચાલક સામે પોલીસ કેસ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં વધતા જતા અકસ્માતોના બનાવોમાં રોંગ સાઈડમાં ચલાવાતા વાહનો પણ એક કારણ છે. ઘણા વાહનચાલકો શોટકર્ટ માટે બિન્દાસ્તથી રોંગ સાઈડમાં વાહનો ચલાવતા જોવા મળે છે. આવા વાહનચાલકોને કાયદાના પાઠ ભણાવવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલ તા.22મીથી 30 જૂન સુધી રોંગ સાઈડ માટેની ડ્રાઈવ યોજવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઈવ યોજવામાં આવશે. આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનારા વાહનચાલકોને પકડીને તેમની સામે કલમ 279 અને 184 મુજબ ગુનો નોધવામાં આવશે. આ ગુનામાં વાહનચાલકની ધરપકડ પણ કરવામાં આવશે.

ટ્રાફિક જેસીપી એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરમાં અકસ્માતોના બનાવ ઘટાડવા માટે ડ્રાઈવ યોજવામાં આવશે. આ ડ્રાઈવ શહેરના એસ.જી. હાઈવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અંદરના રસ્તાઓ પર પણ ડ્રાઈવ યોજાશે. ડ્રાઈવ દરમિયાન વાહનચાલકોને દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે. વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે. રોંગ સાઈડમાં જતા વાહનચાલકો સામે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ બન્ને ગુનો દાખલ કરી શકશે. દરેક વિસ્તારમાં રોંગ સાઈડ જતા બે-બે સ્પોર્ટ આઇડેન્ટિફાય કર્યા છે.