Site icon Revoi.in

અમદાવાદમાં બેરોકટોક ફરતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, વાહનચાલકોને દંડ કરાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનોની પ્રવેશબંધી છે. પરંતુ પરમીટ લઈને ફરતા ડમ્પરો સહિત ભારે વાહનો પુરફાટ ઝડપે ચલાવાતા હોય છે. સવારે 9થી 11 અને સાંજે 5થી 8 દરમિયાન રોડ પર સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે ટ્રાફિક અવર્સ દરમિયાન મ્યુનિ.ના કચરા ભરેલા ભારે વાહનો તેમજ બિલ્ડરોની સાઈટ્સ પર માલનું વહન કરતાં ડમ્પરો જ ટ્રાફિક જામ કરતા હોય છે. આથી ટ્રાફિક પોલીસ દ્વારા ગુરૂવારે ભારે વાહનો સામે ડ્રાઈવ યોજવામાં આવી હતી.

શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર ડ્રાઇવ યોજીને કાયદા વિરુદ્ધના વાહનો અને વાહન ચાલકોને દંડ કરવામાં આવતો હોય છે. ત્યારે શહેરમાં ફરતા ભારે વાહનોની સામે ફરી એકવાર શહેર ટ્રાફિક પોલીસે કવાયત હાથ ધરી છે. શહેરમાં દિવસ દરમિયાન ખુલ્લેઆમ ફરતાં ભારે વાહનો અકસ્માત નોતરે છે જેની સામે પગલાં લેવા આવશ્યક બન્યા છે. આ ઉપરાંત નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને પણ દંડ કરવામાં આવ્યો છે. ચાર રસ્તોઓ પર ડાબી તરફનો રસ્તો ડાબે જતા વાહનો માટે ખાલી રાખવો તે તમામ વાહન ચાલકોની ફરજ છે. પરંતુ તેમ છતાં ભારે વાહનો રસ્તો રોકીને ટ્રાફિક જામ કરે છે. આથી શહેર ટ્રાફિક પોલીસે ડ્રાઇવ ચલાવી છે. શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં અને ભારે વાહનોની અવરજવર થતી હોય તેવા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતુ. શહેરના અંજલિ ચાર રસ્તા વિસ્તારમાં ‘એન’ ડિવિઝન ટ્રાફિક પોલીસે શહેરમાં ફરતા ભારે વાહનો સામે ચેકિંગ હાથ ધરીને કાયદાકીય પગલાં લીધા હતા. આ ઉપરાંત ‘ઈ’ ડિવિઝન ટ્રાફિક પોલીસે મેમ્કો ચાર રસ્તા ખાતે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે પણ શહેરમાં બેફામ ફરતા ભારે વાહનો સામે કવાયત હાથ ધરી હતી. ભારે વાહનો વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી ડ્રાઇવ ઉપરાંત કારના કાચ પર બ્લેક ફ઼િલ્મ લગાવનાર કારચાલકને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે,  ગત 26 નવેમ્બરના રોજ શહેરના  શિવરંજની ખાતે ખાનગી બસ ચાલકે બાઈકને અડફેટે લેતા એક યુવતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ખાનગી ભારે વાહનોને કારણે અનેક લોકો મોતને ભેટ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. તેથી ખાનગી ભારે વાહનોને શહેરમાં ફરતા અટકાવવા માટે ટ્રાફિક પોલીસે ડ્રાઇવ યોજી ગેરકાયદેસર શહેરમાં ફરતા વાહનોને દંડ ફટકાર્યો છે.