અમદાવાદઃ શહેર અને ઘર સ્વચ્છ હશે તો લોકો પણ નિરોગી રહી શકશે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સોસાયટીઓમાં અને ઘેર ઘેર જઈને કચરો એકત્ર કરવામાં આવે છે. મ્યુનિ. દ્વારા ભીનો અને સુકો કચરો અગલ રાખવાની સુચના છતાં ઘણા બધા લોકો ભીનો અને સુકો કચરો એક ટસ્ટબીનમાં ભેગો કરતા હોય છે. ત્યારે લોકોમાં જાગૃતી આવે તે માટે હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દરેક ઘરને ભીના અને સુકા કચરા માટે બે ડસ્ટબીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના નાગરિકો સુકો અને ભીનો કચરો અલગ કરીને આપે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ વોર્ડમાં ઘરે ઘરે ડસ્ટબીન આપશે.શહેરના અલગ-અલગ વોર્ડમાં વાદળી અને લીલા કલરના ડસ્ટબીન વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે પણ નાગરિકોને પોતાના ઘરે ડસ્ટબીન જરૂર હોય તેના માટે કોર્પોરેશન દ્વારા એક સરળ વ્યવસ્થા કરાઈ છે. સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પોતાની સોસાયટીના લેટરપેડ પર તમામ ઘરના એક વ્યક્તિનું નામ અને મોબાઈલ નંબરની વિગત સાથે વોર્ડ ઓફિસમાં આસી. ડાયરેક્ટર અથવા સ્થાનિક કોર્પોરેટરને અરજી કરવાની રહેશે. જેથી તમામ સોસાયટીને ડસ્ટબીન ઝડપથી આપી શકાય.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે અને લોકો સુકો અને ભીનો કચરો અલગ નાખે તેના માટે અમદાવાદ શહેરના દરેક નાગરિકો સુધી ડસ્ટબીન પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સુકો અને ભીનો કચરો અલગ કરવા માટે ડસ્ટબીન વિતરણની કામગીરીમાં અત્યાર સુધીમાં અંદાજે 15 હજાર મકાનોમાં 30 હજારથી વધુ ડસ્ટબીનની વહેંચણી થઈ ચૂકી છે. દરેક ઘર સુધી આ ડસ્ટબીન પહોંચાડવામાં આવશે. ડસ્ટબીન વિતરણની કામગીરી માટે એક સરળ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના માટે સોસાયટીના ચેરમેન કે સેક્રેટરીએ સોસાયટીના લેટરપેડ પર દરેક ઘરના એક વ્યક્તિનું નામ, નંબર લખી અને તે અરજી વોર્ડ ઓફિસમાં અથવા કોર્પોરેટરને આપવાની રહેશે. ચાલી કે મહોલ્લામાં રહેતા લોકોએ સમૂહમાં નામ અને મોબાઈલ નંબરની યાદી આપવાની રહેશે. જે પણ સોસાયટી કે ફ્લેટને ડસ્ટબીન વિતરણ થાય છે તેઓની પાસેથી ડસ્ટબીન મળ્યા અંગે પણ લેટર પણ લેવામાં આવે છે. આગામી દિવસોમાં શહેરના અન્ય વોર્ડમાં પણ ડસ્ટબીન વિતરણની કામગીરી ઝડપથી કરવામાં આવશે