અમદાવાદઃ નકલી પોલીસના સ્વાંગમાં વાહનચાલકો પાસે તોડ કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના રિંગ રોડ પર ઓગણજ નજીક પોલીસના સ્વાંગમાં બે શખસો વાહનોને રોકીને તોડ કરી રહ્યા હતા. દરમિયાન સર્વિસ રોડ પર એક કારને રોકીને કેસ કરવાની ધમકી આપીને રૂપિયા માગી રહ્યા હતા. ત્યારે પેટ્રોલિંગમાં નીકળેલી અસલી પોલીસે બે શખસોને કાર પાસે પોલીસના સ્વાંગમાં ઊભેલા જોતા ત્વરિત સ્થળ પર પહોંચીને બન્ને શખસોની પૂછતાછ કરતા નકલી પોલીસ હોવાનો પડદાફાશ થયો હતો.
શહેરના એ ડીવીઝન ટ્રાફિક પોલીસના સ્ટાફે બાતમીને આધારે શહેરના ઓગણજ રિંગ રોડ પર એક કાર ચાલકને ધમકાવીને તોડ કરી રહેલા બે નકલી પોલીસને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા આરોપીઓએ પોલીસ બનીને અનેક લોકો પાસેથી તોડ કર્યો હતો. આ અંગે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ પી. બી. ઝાલાને બાતમી મળી હતી કે ઓગણજ રીંગ રોડ પર કેટલાંક લોકો પોલીસના નામે વાહન ચેકિંગ કરીને તોડ કરી રહ્યા છે. જેથી રીંગ રોડ પર સાંજના સમયે, પેટ્રોલીંગ હાથ ધરાયું હતું. જેમાં ભાડજથી ઓગણજ જતા રીંગ રોડના સર્વિસ રોડ પર એક કાર પાસે બાઈક લઇને ત્રણ શખસો ઊભા હતા. જેથી શંકાને આધારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે એક બાઈક સવાર નાસી ગયો હતો. જ્યારે અન્ય બે લોકો ઝડપાઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા કારચાલકે જણાવ્યું હતું કે બાઈક પર આવેલા ત્રણેય શખસોએ પોલીસની ઓળખ આપીને વાહન ચેકિંગના નામે કેસ કરવાની ધમકી આપીને નાણાંની માંગણી કરી હતી. જો કે નાણાં આપવાની ના કહેતા મોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. જેથી પોલીસે ઝડપાયેલા બે શખસોની પુછપરછ કરતા તેમના નામ અનવારુઅલહલ અંસારી (રહે. વિશ્વનાથનગર, અજીત મિલ પાસે, બાપુનગર) અને અમિત નાગર (રહે. પુષ્પકસીટી, હાથીજણ) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બાઈક લઈને નાસી ગયેલા વ્યક્તિનું નામ પીન્ટુ હતું. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.