અમદાવાદમાં વધારે બે વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટે ચડ્યાં, વાલીઓ ચિંતામાં મુકાયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બીજી તરફ રાજ્યના ચાર મુખ્ય શહેર ગણાતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં અત્યાર સુધીમાં લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયાનું સામે આવ્યું છે. દરમિયાન આજે અમદાવાદમાં વધુ બે વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયાનું સામે આવ્યું છે. શહેરની જાણીતી બે સ્કૂલના બે વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થતા વાલીઓમાં પણ ભય ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં અત્યાર સ્કૂલોમાં ઓનલાઈન વર્ગોની સાથે ઓફલાઈન વર્ગો ચલાવવામાં આવી રહી છે. સરકારના નિયમો અનુસાર સ્કૂલોમાં ઓફલાઈન વર્ગો ચલાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન શહેરના ગુરુકુળ વિસ્તારમાં આવેલી જાણીતી સ્કૂલમાં ધો-11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. આ ઉપરાંત શહેરના સિંધુ ભવન રોડ ઉપર આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતી ધો-2ના વિદ્યાર્થીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આમ બે વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા વાલીઓમાં ભય ફેલાયો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ બંને સ્કૂલોના વર્ગો 10 દિવસ સુધી બંધ રાખવા સૂચના આપી છે. આ સાથે જ અમદાવાદ શહેરની સ્કૂલોમાં કુલ પોઝિટિવ વિદ્યાર્થીઓની સંખ્યા 6 પર પહોંચી ગઈ છે.
રાજ્યની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ હવે કોરોનાની ઝપટે ચડી રહ્યાં હોવાથી વાલીઓ પણ ચિંતામાં મુકાયાં છે. તેમજ સ્કૂલોમાં શિક્ષણને બંધ કરીને ઓનલાઈન વર્ગો જ ચલાવવાની માંગણી કરી રહ્યાં છે.
(Photo-File)