Site icon Revoi.in

અમદાવાદમાં બે પિસ્તાલ અને 21 કારતૂસ સાથે બે શખસને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા

Social Share

અમદાવાદઃ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે હથિયારોની હેરાફેરી કરતા બે શખસને પકડી પાડીને બે પિસ્તોલ અને 21 કારતૂસ કબજે કર્યા હતા. નવરાત્રિના તહેવાર ટાણે જ ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં જ હથિયારો સાથે કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બાતમીના આધારે વોચ ગોઠવીને એસપી રિંગ રોડ પર વૈષ્ણવદેવી ગરનાળા પાસેથી રાજસ્થાનના બે શખસની બે પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી. બંને આરોપીઓ હથિયાર વેચવા માટે અમદાવાદ આવ્યા હતા. જે વેચવા માટે ફરતા હતા ત્યારે  ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા.

શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે LCBને બાતમી મળી હતી કે રાજસ્થાનના બે શખસ અમદાવાદમાં હથિયાર વેચવા આવ્યા છે. જેની માહિતીના આધારે વોચ ગોઠવી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભાદ્રાજૂન ગામના ઓમપ્રકાશ મેઘવાલ અને અમિતકુમાર પટેલની ધરપકડ કરી હતી. તેમની પાસેથી બે પિસ્તોલ અને 21 કારતુસ મળી આવ્યા છે. આ હથિયાર આરોપીઓ મધ્યપ્રદેશથી કોઈ સરદારજી નામના શખ્સ પાસેથી લાવ્યા હોવાનું જણાવે છે. અમદાવાદમાં કોને હથિયાર આપવાના હતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. બંને આરોપીઓમાં ઓમપ્રકાશ મેઘવાલ રાજસ્થાનમાં છ માસ પહેલા આર્મ્સ એકટના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. જ્યારે અમિત પટેલ 2017માં વિશાખાપટ્ટનમ ખાતે 3 કિલો સોનાની લૂંટમાં પકડાઇ ચુક્યો છે. બંને આરોપીઓમાં એક આરોપી અગાઉ અમદાવાદમાં હથિયાર આપવા આવી ચુક્યો હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી અગાઉ કોઈને હથિયાર આપ્યા છે કે કેમ અને અહીંયા કોને હથિયાર આપવાના હતા તેની તપાસ શરૂ કરી છે.