અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારોમાં કડિયાનાકા આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થતા હોય છે. અને લેબર કોન્ટ્રાકટરો અને બિલ્ડરો દ્વારા કડિયાનાકા પરથી શ્રમિકોને કામ માટે લઈ જવાતા હોય છે. વહેલી સવારથી શ્રમિકો એક સ્થળ ઉપર ભેગા થતા હોય છે. મજુરી કામ ન મળવાથી ઘણા શ્રમિકોને દિવસભર કડિયાનાકા પર બેસી રહેવું પડતું હોય છે. પરંતુ કડિયા નાકા પર બેસવાની કે પાણી-ટોયલેટ વગેરેની કોઇપણ પ્રકારની પુરતી વ્યવસ્થા હોતી નહીં. આથી હવે બેસવા માટે બાકડાં તેમજ તડકો ન વેઠવો પડે તેના માટે શેડ તેમજ પાણી અને ટોયલેટની સુવિધા પુરી પાડવાનો મ્યુનિ,કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. શહેરના છ ઝોનમાં કડિયાનાકા પર શ્રમજીવીઓ માટે રૂપિયા 4.18 કરોડના ખર્ચે શેડ બનાવવામાં આવશે. એક શેડમાં 200થી વધુ મજૂરો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. શ્રમજીવીઓ માટે બનાવેલા શેડમાં અન્નપૂર્ણા યોજનાનો લાભ પણ ત્યાં મળી રહેશે.આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ હતુ કે, શહેરમાં વિવિધ સ્થળે કડિયાનાકા ખાતે પીવાનાં પાણી અને ટોયલેટ વગેરેની સુવિધા પણ હોતી નથી. આથી રાજ્ય સરકારની સૂચનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનએ વિવિધ વિસ્તારોમાં ભરાતા કડિયાનાકા ખાતે શેડ સાથે બેઠક વ્યવસ્થા, પાણી અને ટોયલેટની સુવિધા ઉભી કરવાનો નિર્ણય લીધો હતો. તેના ભાગરૂપે પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનનાં કડિયાનાકા ખાતે શ્રમજીવીઓ માટે સુવિધા ઉભી કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જમાવ્યું હતું કે, શહેરનાં જુદા જુદા વિસ્તારનાં કડિયાનાકા ખાતે એક સરખી ડિઝાઈનના શેડ સાથેની બેઠક વ્યવસ્થા બનાવવા માટે કન્સલ્ટન્ટ પાસે ડિઝાઈન તૈયાર કરાવવામાં આવી હતી. સાતમાંથી છ ઝોનમાં દરેક ઝોનમાં પ્રતિ શેડ રૂપિયા 69.67 લાખ રૂપિયાના ખર્ચે બનાવવા માટેના ટેન્ડરને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી હતી. પ્રતિશેડમાં 200 જેટલા મજૂરો બેસી શકે તેવી વ્યવસ્થા અને 3 જેટલા ટોયલેટ તેમજ પાણીની વ્યવસ્થા હશે. રાજ્ય સરકાર દ્વારા અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે તે માટેની પણ આ શેડમાં વ્યવસ્થા કરવામાં આવશે.