Site icon Revoi.in

અમદાવાદના કૃષ્ણનગરમાં 28 લાખની ચાંદી ભરેલા થેલાની લૂંટ

Social Share

અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મહિલા કે મહિલાના સ્વાંગમાં એક્ટિવા પર આવેલા શખસે સોના-ચાંદીનાની ડિલિવરી કરતા સેલ્સમેનના હાથમાંથી 28 લાખની કિંમતની ચાદી સાથેનો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. આ લૂંટના બનાવની જાણ થતાં જ પોલીસે નાકાબંધી કરીને તપાસ હાથ ધરી હતી, તેમજ રોડ પરના સીસીટીવીની કૂટેજ પણ મેળવવામાં આવ્યા છે. દરમિયાન શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે.

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વના ગણતરીના દિવસ બાકી હોવાથી બજારોમાં ભીડ જોવા મળી રહી છે. ખરીરી માટે આવતા લોકોની સલામતી ન જોખમાય તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન ચોરી, લૂંટફાટ કરતા શખસો, પાકિટમારો પણ સક્રિય બન્યા છે. ત્યારે થોડા સમય પહેલાં કર્ણાવતી ક્લબની સામે 40 લાખની લૂંટ થઈ હતી, એના ગણતરીના દિવસોમાં શહેરના પૂર્વ વિસ્તાર એવા કૃષ્ણનગરમાં 28 લાખના ચાંદીના દાગીના ભરેલી થેલીની લૂંટ એક મહિલાએ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે, એક્ટિવા પર આવેલી મહિલા નહીં પણ મહિલાના સ્વાંગમાં કોઈ શખસે આ કૃત્ય કર્યાની શક્યતા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બપોરના સમયે માણેકચોકમાંથી એક સેલ્સમેન 28 લાખની કિંમતના ચાંદીના દાગીના ભરેલો થેલો લઇને અલગ અલગ વિસ્તારમાં સોના ચાંદીની દુકાન પર માર્કેટિંગ માટે જતો હતો. તે સમયે કૃષ્ણનગરના સરદાર ચોક પાસે તે પસાર થઈ રહ્યો હતો ત્યારે એક્ટિવા પર આવેલી એક મહિલા જેણે હાથ પર મોજા અને આંખો પર ચશ્મા પહેર્યા હતા. તેણે આ વ્યક્તિનો થેલો ઝૂટંવીને એક્ટિવા લઇને ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા અને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હોવાની વિગતો મળી રહી છે.

ટેકનિકલ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક દવેના કહેવા મુજબ  આ સમગ્ર મામલે હાલ સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. અમારી અલગ અલગ ટીમ આરોપીને પકડવા માટે પ્રયાસ કરી રહી છે. મહિલા હોવાની શંકાના આધારે અમે તે દિશામાં પણ તપાસ કરી રહ્યા છે. આ અંગે ટેકનિકલ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.