નવી દિલ્હીઃ પાકિસ્તાનના ઈસ્લામિક સ્કોલર અબુલ અલા મોદુદીની બુકને પોતાના અભ્યાસક્રમમાંથી હટાવનારી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ઈસ્લામિક સ્ટડીજ વિભાગ હવે સનાતન ધર્મનો અભ્યાસ કરાવશે. વિભાગ દ્વારા આ કોર્સ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં શરૂ કરવામાં આવશે. કોર્સનો ઉદ્દેશ તમામ ઘર્મનું ઉંડાણપૂર્વકનું જ્ઞાન આપવાનો છે.
તાજેતરમાં જ ઈસ્લામિક સ્ટડીજ વિભાગે પાકિસ્તાનના સ્કોલર મૌદુદીના વિચાર ભણાવવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો હતો. દરમિયાન આ મુદ્દે વિવાદ ઉભો થતા મોદુદી અને સૈયદ કુતુબના પુસ્તકોને પોતાના અભ્યાસક્રમમાંથી હટાવવામાં આવ્યાં હતા. હવે વિભાગ દ્વારા સનાતન ધર્મ ભણાવવાનો નિર્ણય લેવાયો છે. જેને લઈને એએમયુના થિયોલોજી વિભાગના પૂર્વ ચેરમેન પ્રોફેસર મુફ્તી જાહિદ અલી ખાને અનેક સવાલો ઉભા કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, જો સનાતમ ધર્મ અંગે ભણાવવાનું શરૂ કરી રહ્યાં હોવ તો તેના માટે અલગ વિભાગ બનાવવો જોઈએ.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પીઆરઓ ઉમર સલીમ પીરજાદાએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મ 50 વર્ષથી અમારે ત્યાં એએમયુના થિયોલોજી વિભાગમાં ભણાવવામાં આવે છે. આ વખતે ઈસ્લામિક સ્ટડિજ વિભાગે પણ પોતાના અભ્યાસક્રમમાં તેને અમલમાં લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં એમએના અભ્યાસક્રમમાં તેને દાખલ કરવામાં આવે તેવી શકયતા છે. આ એક સરસ ઉદાહરણ છે કેમ કે અહીં તમામ ધર્મ, જાતિ, વંશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ એક આવાસીય વિશ્વવિદ્યાલય છે. તેમણે વધુમાં કહ્યું કે, સર સૈયદ અહમદ ખાનએ આ પહેલ કરી હતી. આપણે અન્ય ધર્મની ઈજ્જત કરવી જોઈએ, આ એક દેશ માટે સારી વાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણનીતિ દાખલ કરવામાં આવી છે. જેમાં બાળકોને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યાં છે.