ઊનાઃ ગીર જંગલના વનરાજોને રેવન્યુ વિસ્તારોમાં આસાનીથી શિકાર મળી રહેતો હોવાથી ઘણા સિંહ પરિવાર સાથે ઊનાથી લઈને ગીરગઢડા વિસ્તારમાં ધામા નાંખ્યા છે. જેમાં ગીરગઢડા તાલુકાના અંબાડા ગામમાં છેલ્લા એક મહિનાથી વન્યપ્રાણી સિંહોએ ગામની આસપાસ રહેણાંક બનાવી લીધું હોય તેમ રાત્રે ગામના પાદર સુધી આવી જતા હોય છે. ગામમાં રખડતા પશુઓ પર હુમલો કરી મારણ કરી બાદમાં સીમ વિસ્તારમાં જતા રહે છે. ત્યારે ગીરગઢડાના અંબાડા ગામમાં વહેલી સવારે એક સાથે ચાર સિંહોનો પરિવાર ગામમાં ઘુસી ગયો અને એક પછી એક પાંચ જેટલા મુંગા પશુઓને નિશાન બનાવી હુમલો કર્યો હતો. ગામમાં રખડતા પશુઓનું મારણ કરી મીજબાની માણી હતી. અંબાડા ગામ સિંહ પરિવારને માફક આવી ગયું હોય તેમ ગામના પાદરમાં જ પડાવ નાંખ્યા હોવાથી ગામના લોકો ઘરની બહાર નિકળતા પણ ડરી રહ્યા છે.
ગીર ગઢડાના અંબાડા ગામમાં સિંહ પરિવાર શિકારની શોધમાં આવી ચઢતા પશુપાલકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ગામના રહેણાંક મકાન પાસે પશુ પર હુમલો કર્યો હતો. જેમાં પાંચ જેટલા પશુના મારણ કરી મીજબાની માણી હતી. વહેલી સવારે આ મારણની મીજબાની બાદ સીમ વિસ્તારમાં જતા રહ્યા હતા. જોકે આ વખતે ગામમાંથી પસાર થતા વાહન ચાલકે ગામમાં રહેણાંક મકાન પાસે આંટાફેરા કરતા સિંહોને મોબાઈલમાં કેદ કરી લીધા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આમ છેલ્લા એક માસમાં ત્રણ વાર સિંહો ગામમાં આવી અને પશુના મારણ કરતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. વન વિભાગ દ્વારા સિંહોને ગામથી દુર ખસેડવામાં આવે તેવી માગ સાથે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. વન વિભાગ દ્વારા પણ સિહનું લોકેશન ટ્રેક કરવામાં આવી રહ્યું છે.