- અમીરગઢમાં રખડતા ઢોરનો ત્રાસ,
- ગંભીર ઘવાયેલા આધેડને પાલનપુર ખસેડાયા,
- રખડતા ઢોર સામે પગલાં લેવાની માગ ઊઠી
પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર સહિત તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. ત્યારે જિલ્લાના અમીરગઢમાં રોડ પર રખડતા આખલાંએ એક આધેડ વ્યક્તિને સિંગડે ભરાવીને ફંગોળતા આધેડ વ્યક્તિ રોડ પર પટકાયા હતા. આથી ગંભીર ઈજા થતાં આધેડ વ્યક્તિને પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમીરગઢમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. રોડ પર રખડતા ઢોરના અડિંગાને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. દરમિયાન અમીરગઢમાં રખડતા આખલાએ એક આધેડ વ્યક્તિને સિંગડુ મારી હવામાં ફંગોળ્યો હતો. જેથી આધેડ જમીન પર પટકાતા ગંભીરરીતે ઘાયલ થયો હતો. બનાવના પગલે 108 દ્વારા ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે. કે, અમીરગઢના નટવરજી છગનજી ઠાકોર નામના આધેડ પોતાના ઘર આગળ કામ કરી રહ્યા હતા. ત્યારે પાછળથી એક રખડતો આખલો ભૂંરાટો બનીને દોડી આવ્યો હતો. અને નટવરજીને ભેટુ મારી સિંગડુ ફસાવી નાખ્યું હતું. જે બાદ આખલાએ નટવરજીને હવામાં ફંગોળી જમીન પર પટક્યા હતા. જે બાદ આજુબાજુના સ્થાનિક લોકો આવી હતા. આખલાને ત્યાંથી ભગાડ્યો હતો. જોકે, આધેડ નટવરજી ઠાકોરને આખલાનું સિંગડુ ગળાના ભાગે વાગતા તે ગંભીરરીતે ઘાયલ થયાં હતા. જેથી પરિવારજનોએ નટવરજીને અમીરગઢ દવાખાને ખસેડ્યો હતો. પરંતુ ગંભીર ઈજાઓના કારણે નટવરજીને અમીરગઢથી 108 દ્વારા પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ હાઇવે પર થોડા દિવસ અગાઉ બે આખલા વચ્ચે બાખડ્યા હતા. જેથી લોકોમાં અફરા તફરી મચી હતી.