આણંદના સોજીત્રા ગામે શૌચાલયમાં મગર ઘૂંસી જતા નવ વિભાગે રેસ્ક્યુ કરી તળાવમાં છોડી મુક્યો
આણંદઃ જિલ્લાના સોજીત્રામાં ખારાકુવા વિસ્તારમાં એક મકાનના શૌચાલયમાં ચાર ફુટ લાંબો મગર ઘૂંસી જતાં પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે પહોંચીને મગરનું સલામત રેસ્કયૂ કરીને તળાવમાં છોડી મૂક્યો હતો. શૌચાલયમાં મગર ઘૂંસી જવાની ગ્રામજનોને જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.દરમિયાન વન વિભાગના કર્મચારીઓએ દોડી આવીને મગરનું સલામતરીતે રેસ્ક્યુ કર્યુ હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના સોજીત્રા ગામના મલાતજ તળાવમાં મગરનો વસવાટ છે. જોકે, આ મગર ક્યારેય હિંસક થયા નથી કે કોઈને ય નુકસાન પહોચાડ્યું નથી. તળાવમાંથી બહાર નિકળીને મગરો આસપાસના વિસ્તારોમાં પણ પહોંચી જતા હોય છે. સોજીત્રાના તળાવની આસપાસના વિસ્તારોમાં પણ સમયાંતરે મગરની અવરજવર હોવાનું ગામના લોકો જણાવી રહ્યા છે. ગત મોડી રાત્રિએ પણ સોજીત્રાના ખારાકુવા વિસ્તારમાં બે-ત્રણ યુવકોએ મગર ફરતો હોવાનું નિહાળ્યું હતું. દરમિયાન આ મગર ફરતો-ફરતો એક મકાનના શૌચાલયમાં ઘુસી ગયો હતો. જ્યાં સવારે પાંચેક વાગ્યે રહીશે શૌચાલયમાં મગર હોવાની જાણ થઈ હતી. જેથી તેઓ ગભરાઈ ગયા હતા અને આસપાસના લોકોને શૌચાલયમાં મગર હોવાની જાણ કરી હતી. દરમિયાન આ અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ આવી પહોંચી હતી. બીજી તરફ શૌચાલયમાં મગર ઘૂસી ગયાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. વન વિભાગની ટીમે શૌચાલયના દરવાજે પાંજરુ મૂકીને મગરને સલામત રીતે રેસ્ક્યુ કરી નજીકના તળાવમાં છોડી મુક્યો હતો.