Site icon Revoi.in

અંજારમાં ટ્રેલરે સ્કૂટરસવાર યુવતીને અડફેટે લીધા બાદ સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ

Social Share

ભૂજઃ અંજારમાં ટ્રેલરે સ્કૂટરસવાર બે યુવતીને અડફેટે લેતા  યુવતીને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. દરમિયાન આ અકસ્માતને લીધે આજુબાજુના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.  અને યોગેશ્વર ચોકડીની ચારેબાજુ વાહનોના ખડકલા થઈ ગયા હતા. વારંવાર થતા અકસ્માતના કારણે સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા. અને ટ્રેલર સહિતના ભારે વાહનોમાંથી હવા કાઢી નાંખી હતી. તેના લીધે ટ્રાફિકજામ થતાં પોલીસ કાફલો દાડી આવ્યો હતો. પોલીસે સમજાવટથી ટોળાંને વિખેરી નાંખ્યા બાદ ટ્રાફિક ક્લીયર કર્યો હતો.

આ બનાવની વિગતો એવી હતી કે, અંજારની યોગેશ્વર ચોકડી ઉપર ટ્રેલરે ટક્કર મારતા સ્કુટરસવાર યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો હતો. લોકોએ ઉભેલા ભારે વાહનોના ટાયરોમાંથી હવા કાઢી નાખી હતી. પોલીસે ટ્રાફિક ખુલ્લો કરવાનો પ્રયાસ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. સ્થાનિકોના કહેવા પ્રમાણે ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાંય બેરોકટોક ભારે વાહનો પસાર થાય છે. કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતો હોવા છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. આ માર્ગ પર અકસ્માતોના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અંજારમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરમાં ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાંયે બેરોકટોક ભારે વાહનો પસાર થાય છે. તેની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. તેથી સ્થાનિક લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે.