અતિક-અશરફ કેસમાં ત્રણેય શૂટર્સને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરાયાં, પોલીસે મેળવ્યાં રિમાન્ડ
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની સરાજાહેર 3 શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હતી. હત્યા કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરાયાં હતા. અદાલતે તપાસનીશ એજન્સીની રજુઆતને ધ્યાનમાં રાખીને 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા.માફિયા અતિક અહમદ અને અશરફ અહમદ હત્યા કેસમાં ત્રણેય આરોપીઓ સાથે પ્રયાગરાજ પોલીસ પૂછપરછ કરશે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર પ્રયાગરાજમાં હોસ્પિટલ સંકુલમાં જ અતિક અહેમદ અને અશરફની હત્યા કેસમાં ઝડપાયેલા સન્નીસિંહ, અરુણ મૌર્ય અને લવલેશ તિવારીને ઉત્તરપ્રદેશની પ્રયાગરાજ સીજીએમ કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કર્યાં હતા. તપાસનીશ એજન્સીઓએ કેસની તપાસ માટે આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી. તેમજ રજુઆત કરી હતી કે, આરોપીઓએ હત્યાના ગુનામાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યાં હતા અને ગુનાને અંજામ આપવા માટેનું કાવતરુ અને ક્યાં ઘડવામાં આવ્યું હતું તેની તપાસ કરવાની બાકી છે. અદાલતે સુનાવણીના અંતે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા.
ત્રણેય શૂટર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કોર્ટ પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શનિવારે રાત્રે મીડિયાકર્મીઓ બનીને આવેલા ત્રણેય શખ્સે અતિક અને અશરફની ગોળી મારીને હત્યા કરી હતી. બાદમાં ત્રણેય આરોપીઓએ પોલીસને સરેન્ડર કર્યું હતું. આ કેસમાં આગામી દિવસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્તિઓ થઈ રહી છે. તપાસનીશ એજન્સી સમગ્ર ઘટનાનું રિકન્સટ્રક્ટ કરવામાં આવશે.