બનાસકાંઠામાં 23 લાખ પશુઓને ખરવા મવાસા રોગની વેક્સીન આપવાની શરૂઆત
અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલ 6 તાલુકાઓનાં છુટા છવાયા ગામોમાં પશુઓમાં ખરવા મોવાસાની બિમારી જોવા મળી હતી. જિલ્લામાં 23 લાખથી વધુ પશુધન હોવાથી પશુઓને બચાવવા કેન્દ્ર સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને ત્વરિત ધોરણે 23 લાખ ખરવા મોવાસાની વેકસીનના ડોઝ જિલ્લા પશુપાલન વિભાગને મોકલવામાં આવ્યા છે.
બનાસકાંઠા નાયબ પશુપાલન અધિકારીએ યુદ્ધના ધોરણે 27 ટીમો બનાવી તમામ 23 લાખ પશુઓને ખરવા મવાસા રોગની વેક્સીનના ડોઝ આપવાનું શરૂ કર્યું છે. હાલ માત્ર બે જ દિવસમાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર તેમજ કાંકરેજ તાલુકાઓનાં 1 લાખ 93 હજાર પશુઓને પશુપાલન વિભાગ તેમજ બનાસ ડેરી દ્વારા મફતમાં આપવામાં આવી છે. આગામી આઠ દિવસોમાં જિલ્લાના તમામ પશુઓને ખરવા મવાસાની રસીના ડોઝ આપવામાં આવશે.