- મંજુરી વિના લાંબો સમય ગેરહાજર રહી શકાય નહીં,
- એક વર્ષથી વધુ સમય ગેરહાજર હોય તો સસ્પેન્ડનો નિયમ,
- કડક પગલાંથી ગેરહાજર રહેતા શિક્ષકોમાં ફફડાટ
પાલનપુરઃ ગુજરાતના અંતરીયાળ વિસ્તારના ગામડાંની શાળાઓમાં કેટલાક શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઊઠી છે. ઘણા એવા શિક્ષકો છે. કે, શાળાઓમાં ચાલુ નોકરીએ વિદેશમાં વસવાટ કરી રહ્યા છે. તાજેરમાં બનાસકાઠાંમાં એક શિક્ષકનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સરકારે તમામ શાળાઓમાં તપાસ હાથ ધરી છે. દરમિયાન બનાસકાંઠામાં જ છેલ્લા ચાર વર્ષમાં સતત ગેરહાજર રહેનારા 33 શિક્ષકોને બરતરફ કરાયા છે.
બનાસકાંઠાના દાંતા તાલુકાની પાન્છા શાળાની શિક્ષિકા ફરજ ઉપર હોવા છતાં વિદેશ જતી રહી હોવાના ઘટસ્ફોટ બાદ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ઉપર ભારરૂપ આવા શિક્ષકોને શોધવાની કવાયત હાથ ધરી છે. જેમાં છેલ્લા એક વર્ષમાં 5 શિક્ષકો બિનઅધિકૃત રીતે ગેરહાજર હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જેમને નોટિસ આપી હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે છેલ્લા ચાર વર્ષમાં રજા લીધા વગર ગેરહાજર રહેનારા 33 શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા હોવાનું જિલ્લા પ્રાથમિક
આ અંગે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાનાં દાંતા તાલુકાના મગવાસ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જયકુમાર કનેયાલાલ ચૌહાણ અને પાન્છા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ભાવનાબેન કે.પટેલ, વાવ તાલુકાના શિવમ(ગ) પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હસ્મીતાબેન ગોવિંદભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકાના ક્ષેત્રવાસ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સંગીતાબેન કિરતીલાલ શાહ, કાંકરેજ તાલુકાના આકોલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા માલતીબેન હસમુખભાઈ પટેલ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ગેરહાજર હોવાથી જિલ્લા કક્ષાએથી નોટિસ આપી કાર્યવાહી કરાઈ રહી છે. હાલ કાર્યવાહી ચાલુ છે. છેલ્લા 4 વર્ષમાં રજા લીધા વગર ગેર હાજર રહેનારા 33 શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા છે.
સરકારી કર્મચારીને વિદેશ જવા માટે પરત આવવાની શરતે કુલ 90 દિવસની રજા જિલ્લા કક્ષાએ જ મંજૂર કરવામાં આવે છે. 90 દિવસ કરતાં વધુ સમય રજા મળતી નથી. એ સિવાય અન્ય રજાઓ જેવી કે મેડિકલ સહિતની બાબતોમાં હક રજા મળતી હોય છે, જે સરકારે નક્કી કરેલી હોય છે. એ સિવાય વધુ રજા કપાત પગારથી અપાતી હોય છે. જોકે કોઈ કર્મચારી એક વર્ષથી વધુ સમય કોઈપણ પ્રકારની મંજૂરી વિના રજા ઉપર રહે તો તેને બરતરફ કરવા સુધીના પગલાં ભરવાની જોગવાઈ છે. પરંતુ આ સંજોગોમાં પણ કર્મચારીને કારણ દર્શક નોટીસ આપી પ્રથમ ખુલાસો પૂછ્યાં બાદ જ કાર્યવાહી કરાતી હોય છે.