પાલનપુરઃ ગુજરાતમાં સરકારના પ્રયાસો અને રાજ્યપાલ વ્યક્તિગત રસ લઈ રહ્યા હોવાથી ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં 48875 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આત્મા અંતર્ગત હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય સહિત એફ.પી.ઑ. થકી વેચાણ કરીને આવક બમણી થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં ધરખમ સુધારો જોવા મળી રહ્યો છે.
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા વર્ષ 2021થી આજદિન સુધી કુલ 2,07,132 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે. તાલીમ મેળવ્યા બાદ અનેક ધરતીપુત્રોએ જમીનની ઉત્પાદકતા વધે તથા જંતુનાશક અને રાસાયણિક ખાતરમુક્ત ખેત પેદાશોને પ્રોત્સાહન આપવા માટે સહર્ષ પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવ્યો છે. જિલ્લામાં 48875 ખેડૂતો 32854 એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બીજામૃત, જીવામૃત અને ઘનામૃત બનાવવા માટે ગાયનું આગવું મહત્વ છે. જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય તેવા ખેડૂતોને ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી બની છે. આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષ દરમિયાન 9522 જેટલા ખેડૂતોને કુલ.રૂ. 2351.87 લાખની સહાય મળી છે. એટલું જ નહિ પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોને વેચવા માટે યોગ્ય બજાર મળે તે હેતુથી આત્મા યોજના અંતર્ગત વેચાણ કેન્દ્રો અને એફ.પી.ઑ. પણ કાર્યરત છે. લાખો લોકોએ પ્રાકૃતિક કૃષિ પેદાશોને સ્વીકારીને તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારી છે. આમ પર્યાવરણની જાળવણી અને સંવર્ધનને પ્રોત્સાહન આપતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થકી ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ અને યોગ્ય કિંમત મળતાં ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજે માત્ર બનાસકાંઠા જ નહિ પરંતુ દેશના અનેક ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવીને પ્રગતિની કેડી કંડારી રહ્યા છે.